android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dwarka News : દ્વારકાધીશ મંદિરની ધ્વજાના નામે છેતરપિંડી! નકલી પહોંચ બનાવી 2 યજમાનો પાસેથી રૂ.1.02 લાખ પડાવ્યા

calendar_todayAugust 28, 2026

Dwarka News : દ્વારકાધીશ મંદિરની ધ્વજાના નામે છેતરપિંડી! નકલી પહોંચ બનાવી 2 યજમાનો પાસેથી રૂ.1.02 લાખ પડાવ્યા

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના શિખર પર ધ્વજા રોપવાની પવિત્ર અને વર્ષો જૂની પરંપરા સાથે છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શ્રદ્ધાળુઓની આસ્થાનો ગેરલાભ ઉઠાવી નકલી દસ્તાવેજો અને બનાવટી પહોંચના આધારે ધ્વજા બુકિંગના નામે ઠગાઈ આચરવામાં આવી હોવાનો ખુલાસો થતાં દ્વારકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી શિવમ દીપકભાઈ ઠાકરની ધરપકડ કરી છે. શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ ઠગાઈથી ધાર્મિક નગરી દ્વારકામાં ભારે ચકચાર મચી ગઈ છે.

નકલી પહોંચ બનાવી 2 યજમાનો પાસેથી રૂ.1.02 લાખ પડાવી લીધા

મળતી વિગતો અનુસાર, દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણનું બુકિંગ નિયમ મુજબ ગૂગળી સમાજ 505 સંસ્થા દ્વારા સિરિયલ નંબર પ્રમાણે કરવામાં આવે છે. પરંતુ ભેજાબાજ આરોપી શિવમ ઠાકરે કથિત રીતે ગૂગળી સમાજના નામના બોગસ દસ્તાવેજો અને બનાવટી પહોંચ તૈયાર કરી બે યજમાનોનો વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ બંને યજમાનો પાસેથી રૂ.51-51 હજાર લેખે કુલ રૂ.1.02 લાખ રૂપિયા પોતાના અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ મામલે છેતરપિંડીનો ભોગ બનેલા યજમાનોને જાણ થતાં દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ, પોલીસની ભક્તોને સાવચેત રહેવા અપીલ

ફરિયાદના આધારે દ્વારકા પોલીસે આરોપી શિવમ ઠાકરની અટકાયત કરી વધુ પૂછપરછ અર્થે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીની આર્થિક લાભ ખાટવાની દાનત હોવાનું અને ભૂતકાળમાં પણ આવી જ છેતરપિંડી કરી હોવાની હિસ્ટ્રી સામે આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે ધ્વજા બુક કરાવનારા તમામ યજમાનો ગૂગળી સમાજ 505નો સંપર્ક કરીને પોતાનું બુકિંગ ફરજિયાત વેરિફાય કરી લે અને જો કોઈ અન્ય ભક્ત સાથે છેતરપિંડી થઈ હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

આ પણ વાંચો :