android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dwarka News: જામ ખંભાળીયા હાઈવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 4 યાત્રિકો ઈજાગ્રસ્ત

calendar_todayMarch 15, 2026

Dwarka News: જામ ખંભાળીયા હાઈવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 4 યાત્રિકો ઈજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકોની કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક બાળક સહિત કુલ ચાર લોકોને ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, ટ્રેક્ટરે રોડ પર પલ્ટી મારી દીધી હતી.

જુવાનપુર ગામ પાસે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, દ્વારકા તરફ જઈ રહેલી એક કાર જ્યારે જામ ખંભાળીયા હાઈવે પર આવેલા જુવાનપુર ગામ નજીક પહોંચી ત્યારે ટ્રેક્ટર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર વાગતા જ ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર રસ્તા પર પલ્ટી ખાઈ ગયું હતું, જ્યારે યાત્રિકો ભરેલી કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.

પરિવારના 4 સભ્યોને પહોંચી ઈજા

આ અકસ્માતમાં કારમાં સવાર મુસાફરો પૈકી 2 પુરૂષ, 1 મહિલા અને 1 માસૂમ બાળકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી જામ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સદનસીબે જાનહાનિ ટળી

અકસ્માતની તીવ્રતા જોતા મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ સદનસીબે તમામ યાત્રિકોનો બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદમાં પોલીસ દ્વારા રાબેતા મુજબ કરવામાં આવી હતી.


આ પણ વાંચો - Dwarka: જામખંભાળિયામાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવનાર સામે કાર્યવાહી, 15 વાહનો ડિટેઇન કરતી પોલીસ