android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dwarka: PGVCL ના સ્ટોરમાંથી 3700 કિલો વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todayMarch 22, 2026

Dwarka: PGVCL ના સ્ટોરમાંથી 3700 કિલો વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત

જામ ખંભાળીયા-પોરબંદર રોડ પર આવેલા PGVCL ના સ્ટોરમાં તસ્કરોએ ત્રાટકીને લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી હતી. આ મામલે ખંભાળીયા પોલીસે ગણતરીના દિવસોમાં ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે 5 આરોપીઓને દબોચી લઈને કુલ ₹11,88,350 નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

સીસીટીવી અને હ્યુમન સોર્સિસથી મળ્યો સુરાગ

PGVCL ના અધિકારીની ફરિયાદ બાદ ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કામે લાગી હતી. નેત્રમના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા હેમતભાઇ નંદાણીયા, કાનાભાઇ લુણા અને અરજણભાઇ આંબલીયાને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે લાલપુર અને ખંભાળીયાના શખ્સો પર વોચ ગોઠવી હતી.

લાલપુરમાં ભંગારના વાડામાં છુપાવ્યો હતો માલ

પોલીસે લાલપુરના અશોક કણજારીયા, ધર્મેન્દ્ર મકવાણા, સની ચુડાસમા તેમજ ખંભાળીયાના તાલબ સંઘાર અને પીન્ટુ કાંજ નામના 5 આરોપીઓની અટકાયત કરી હતી. કડક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ ચોરી કરેલો 3700 કિલો જુનો એલ્યુમિનિયમ વાયર લાલપુરમાં ભંગારના વાડામાં છુપાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹7.52 લાખનો વાયર, ₹4 લાખની બોલેરો પીકઅપ, એક બાઈક અને 4 મોબાઈલ મળી કુલ ₹11.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલા આરોપીઓ પૈકી લાલપુરનો અશોક મોહનભાઇ કણજારીયા અગાઉ લાલપુર પોલીસ મથકમાં 3 ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે ખંભાળીયાનો તાલબ ઉર્ફે તાબલો કરીમભાઇ સંઘાર જામ ખંભાળીયા પોલીસ મથકના જ 6 ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: બોર્ડ પરીક્ષાના પરિણામ વહેલા જાહેર કરવા કવાયત, 45 કેન્દ્રો પર 4000 શિક્ષકો દ્વારા પેપર ચેકિંગ શરૂ