android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
EDની કાર્યવાહી, હીરા ગ્રુપ કૌભાંડની મુખ્ય સૂત્રધાર નૌહિરા શેખની ગુરુગ્રામથી ધરપકડ

calendar_todayMay 25, 2026

EDની કાર્યવાહી, હીરા ગ્રુપ કૌભાંડની મુખ્ય સૂત્રધાર નૌહિરા શેખની ગુરુગ્રામથી ધરપકડ

દેશભરમાં ચકચાર જગાવનારા અને હજારો લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા હીરા ગ્રુપ મહાકૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ને એક બહુ મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ આ મલ્ટી-કરોડ કૌભાંડના મુખ્ય આરોપી નૌહિરા શેખની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરી લીધી છે. નૌહિરા શેખ પર દેશભરના રોકાણકારો સાથે અંદાજે રૂપિયા 3 હજાર કરોડથી વધુની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કરવાનો ગંભીર આરોપ છે.

દેશના અનેક રાજ્યોમાં ગુનાઓ

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નૌહિરા શેખે પોતાની પોન્ઝી સ્કીમો દ્વારા દેશના આશરે ૧.૭૨ લાખથી વધુ માસૂમ રોકાણકારોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગ્રાહકોને આકર્ષવા માટે કંપની દ્વારા વાર્ષિક ૩૬ ટકા જેટલું તોતિંગ રિટર્ન (વ્યાજ) આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ મામલે તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ગુનાઓ નોંધાયા હતા. આ ગંભીર નાણાકીય ગેરરીતિ બદલ EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.

ઇડીએ દરોડો પાડીને તેને દબોચી લીધી

ચોંકાવનારી વિગત એ છે કે, સુપ્રીમ કોર્ટે પણ નૌહિરા શેખને આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આદેશને ઘોળીને પી જઈને તે ફરાર થઈ ગઈ હતી. તે પોતાની અસલી ઓળખ છુપાવીને નકલી દસ્તાવેજોના આધારે ગુરુગ્રામમાં આલીશાન લાઈફસ્ટાઈલ સાથે છુપાઈને રહેતી હતી. EDએ બાતમીના આધારે દરોડો પાડીને તેને દબોચી લીધી હતી.

 122 કરોડની બેનામી સંપત્તિઓ ટાંચમાં

આ મહાકૌભાંડમાં ED અત્યાર સુધીમાં આશરે રૂપિયા 122 કરોડની બેનામી સંપત્તિઓ ટાંચમાં લઈને તેની હરાજી પણ કરી ચૂકી છે. ધરપકડ બાદ આરોપી નૌહિરા શેખને હૈદરાબાદની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડી (જેલ) માં મોકલવાનો આદેશ કર્યો છે. આ આંતરરાજ્ય કૌભાંડના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે દિશામાં હવે એજન્સીઓ ઊંડી તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું