android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Election Commission SIR: સમગ્ર દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

calendar_todaySeptember 1, 2026

Election Commission SIR: સમગ્ર દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

અત્યાર સુધી દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદી અનુસાર, દિલ્હીમાં મતદારોની સંખ્યામાં 32.8 ટકા અને મહારાષ્ટ્રમાં 21.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દિલ્હીમાં SIR પહેલાં મતદારોની કુલ સંખ્યા આશરે 1.45 કરોડ હતી

દિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દિલ્હીમાં SIR પહેલાં મતદારોની કુલ સંખ્યા આશરે 1.45 કરોડ હતી, જે હવે ઘટીને ડ્રાફ્ટ યાદીમાં 97.53 લાખ થઈ છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા 9.78 કરોડથી ઘટીને 7.71 કરોડ થઈ છે. SIRના ત્રીજા તબક્કામાં અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 6.15 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે SIRના ત્રીજા તબક્કાની જાહેરાત કરી

ચૂંટણી પંચે 14 મેના રોજ SIRના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. આ તબક્કામાં 16 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાની યોજના છે. અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થઈ ચૂકી છે. જ્યારે નાગાલેન્ડ અને ત્રિપુરામાં આગામી બે મહિનામાં જનગણના શરૂ થવાની હોવાથી ત્યાં પ્રક્રિયા અલગ સમયગાળા દરમિયાન આગળ વધશે.

મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના આંકડા અનુસાર, 3.56 ટકા મતદારોને મૃત તરીકે ઓળખવામાં આવ્યા હતા. જ્યારે 15.78 ટકા લોકો કાયમી રીતે અન્ય સ્થળે સ્થળાંતરિત, ગેરહાજર અથવા અન્ય શ્રેણીમાં આવતા હોવાનું નોંધાયું હતું. ઉપરાંત 1.81 ટકા મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર તેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં લગભગ એક તૃતીયાંશ મતદારોની ચકાસણી

દિલ્હીના આંકડા અનુસાર, 29.86 ટકા મતદારોને ગેરહાજર, સ્થળાંતરિત અથવા અન્ય શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. 1.95 ટકા મતદારો મૃત હોવાનું નોંધાયું છે, જ્યારે 0.98 ટકા લોકોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હતા.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, જે મતદારોનું નામ ભૂલથી ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયું હોય તેઓ આગામી એક મહિના દરમિયાન પોતાનું નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે. એટલે કે ડ્રાફ્ટ યાદીમાંથી નામ હટાવવું અંતિમ નિર્ણય નથી અને યોગ્ય પ્રક્રિયા દ્વારા વાંધો નોંધાવી શકાય છે.

ત્રણ તબક્કામાં 13.37 કરોડ નામ દૂર

ચૂંટણી પંચના આંકડા મુજબ, અત્યાર સુધી SIRના ત્રણ તબક્કામાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કુલ 13.37 કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. આ SIR પહેલાંની મતદાર યાદીની સરખામણીમાં આશરે 14.1 ટકાનો ઘટાડો છે.

દિલ્હીમાં સૌથી વધુ 32.80 ટકા નામ દૂર થયા છે. ત્યારબાદ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં 29.60 ટકા, તેલંગાણામાં 21.70 ટકા, મહારાષ્ટ્રમાં 21.10 ટકા અને અંડમાન-નિકોબાર ટાપુઓમાં 20.60 ટકા નામ દૂર કરવામાં આવ્યા છે.

છેલ્લા બે દાયકાથી ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનું આ પ્રકારનું ગહન પુનરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. સામાન્ય રીતે દર વર્ષે અને ચૂંટણી પહેલાં સંક્ષિપ્ત પુનરીક્ષણ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી.

SIRની પ્રક્રિયા શું છે?

SIR હેઠળ તમામ નોંધાયેલા મતદારોને નિર્ધારિત સમયગાળામાં એન્યુમરેશન ફોર્મ ભરવાનું હોય છે. ત્યારબાદ જૂની ગહન પુનરીક્ષણની યાદીમાં પોતાના અથવા માતા-પિતાના નામ સાથે વિગતોનું મેપિંગ કરવાનું રહે છે. મતદારની પાત્રતા ચકાસવા માટે જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર

ચૂંટણી પંચના 24 જૂન 2025ના SIR આદેશને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજદારો દ્વારા ચૂંટણી પંચની સત્તા અને SIR દરમિયાન અપનાવવામાં આવેલી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં SIRના આદેશને યથાવત્ રાખ્યો હતો.