calendar_todayMay 4, 2026
Election Results 2026: 'હિંદુઓએ મમતાને પાઠ શીખવ્યો' વલણમાં જીતના સંકેત મળતા જ શુભેંદુએ TMC પર નિશાન સાધ્યું
શરૂઆતના વલણમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ હવે ભાજપ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ તીખો પ્રહાર કર્યો છે.
વલણમાં પોતાની જીત અને ટીએમસીની હારના સંકેતો મળતા જ શુભેંદુએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે બંગાળના સનાતની હિંદુઓએ તેમને કડક પાઠ શીખવ્યો છે.
શુભેંદુ અધિકારી ખૂબ આત્મવિશ્વાસમાં દેખાયા
મીડિયા સાથે વાત કરતા શુભેંદુ અધિકારી ખૂબ આત્મવિશ્વાસમાં દેખાયા. તેમણે દાવો કર્યો કે આ વખત મમતા બેનર્જીનો અભેદ્ય ગઢ ગણાતો ‘ભવાનીપુર’ પણ ભેદાઈ ગયો છે અને મુખ્યમંત્રીની ત્યાંથી હાર નિશ્ચિત છે. શુભેંદુએ કહ્યું, “હું ભવાનીપુરના દરેક સનાતની હિંદુનો આભાર માનું છું જેમણે મને મત આપ્યો. આ પરિણામો અમારી અપેક્ષા મુજબ છે. હિંદુઓ પર થયેલા અત્યાચારનો જવાબ જનતાએ મત દ્વારા આપ્યો છે.”
‘100 સીટથી નીચે સીમિત રહેશે ટીએમસી’
શુભેંદુએ મોટો દાવો કરતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ આ વખત 100 સીટનો આંકડો પણ પાર નહીં કરી શકે. તેમણે માલદા, મુર્શિદાબાદ અને મોથાબાડી જેવા વિસ્તારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે એન્ટી-ઇન્કમ્બન્સી અને હિંદુઓ પર થયેલા કહેવાતા અત્યાચારોએ મમતા બેનર્જીની રાજનીતિને નબળી બનાવી દીધી છે.