calendar_todayApril 29, 2026
Fact Check : શું સરકારે પેટ્રોલ-ડીઝલ પર 10 રૂપિયા ભાવ વધારો કરવાની કરી જાહેરાત? જાણો શું કહ્યું મંત્રાલયે?
દિલ્હી સ્થિત કેન્દ્રીય મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની અફવાઓ અંગે સત્તાવાર સ્પષ્ટતા આપી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર “સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે” એવી વાતો ઝડપથી ફેલાઈ રહી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા નાગરિકોમાં ગેરસમજ ફેલાઈ હતી.
ભાવ વધારાની ચર્ચા સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક
મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આવા કોઈપણ પ્રકારનો નવો ઓર્ડર કે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. ભાવ વધારાની ચર્ચા સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે. સત્તાવાર સ્તરે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી અને હાલની સ્થિતિમાં ભાવમાં અચાનક મોટો વધારો કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. માહિતી અને પ્રસારણ વિભાગે પણ આ મુદ્દે તાત્કાલિક પગલા લીધા છે. વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંદેશાઓ અને દસ્તાવેજોને નકલી ગણાવી જાહેર ચેતવણી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે આવા ભ્રામક સંદેશાઓ લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવવા માટે બનાવવામાં આવે છે, તેથી નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે.
10 રૂપિયા ભાવ વધારાની વાત તદ્દન ખોટી
સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર સ્ત્રોતો પરથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખે અને અફવાઓને આગળ ન ફેલાવે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી હંમેશા મંત્રાલય અથવા સત્તાવાર માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવે છે. આથી, જનતાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયાના વધારાની વાતને સંપૂર્ણપણે ખોટી માની અને આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચો : Delhi: ડ્રોન મારફતે પાકિસ્તાનથી આવ્યો હથિયારોનો જથ્થો..દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે કર્યો જપ્ત