android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Galgotias AI Summit: ચીની રોબોટ બાદ હવે કોરિયન ડ્રોન! Galgotias ફરી વિવાદમાં

calendar_todayFebruary 18, 2026

Galgotias AI Summit: ચીની રોબોટ બાદ હવે કોરિયન ડ્રોન! Galgotias ફરી વિવાદમાં

નવી દિલ્હીમાં યોજાયેલા India AI Impact Summit Expo દરમિયાન Galgotias University ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. અગાઉ ચીની રોબોટને પોતાનું સંશોધન બતાવવાનો આરોપ લાગ્યો હતો અને હવે યુનિવર્સિટી પર કોરિયન ફૂટબોલ ડ્રોનને “કેમ્પસમાં વિકસિત” તરીકે રજૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

એન્ડ-ટુ-એન્ડ એન્જિનિયરિંગનું પરિણામ

એક્સ્પોમાં ગાલ્ગોટિયાસના સ્ટાફ દ્વારા બતાવવામાં આવેલ ફૂટબોલ ડ્રોનને એન્ડ-ટુ-એન્ડ એન્જિનિયરિંગનું પરિણામ ગણાવવામાં આવ્યું હતું. સ્ટાફનું કહેવું હતું કે, સિમ્યુલેશન લેબથી લઈને એપ્લિકેશન એરેના સુધીની સંપૂર્ણ વ્યવસ્થા તેમના કેમ્પસમાં ઉપલબ્ધ છે અને આ ભારતનું પ્રથમ ફૂટબોલ ડ્રોન એરેના છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવાને તરત જ પડકાર્યો.

આ ડ્રોન “Striker V3 ARF”

ઓનલાઇન તપાસ બાદ ખુલ્યું કે આ ડ્રોન “Striker V3 ARF” નામે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, જેની કિંમત આશરે ₹40,000 જેટલી છે. આ ડ્રોન કોઈ ભારતીય સંસ્થા દ્વારા નહીં, પરંતુ દક્ષિણ કોરિયાની કંપની Halsel Group દ્વારા ડ્રોન સ્પોર્ટ્સ માટે વિકસાવવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ ગાલ્ગોટિયાસ પર “નકલને નવીનતા તરીકે રજૂ કરવાનો” આરોપ વધુ મજબૂત બન્યો.

પહેલા પણ સમિટમાં એક ગંભીર ઘટના

આ પહેલા પણ સમિટમાં એક ગંભીર ઘટના બની હતી. ગાલ્ગોટિયાસના સ્ટોલ પર દેખાડવામાં આવેલ ચાર પગવાળો રોબોટ, જેને “ઓરિયન” નામ આપીને ભારતીય શોધ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, હકીકતમાં ચીનની કંપની Unitree Robotics દ્વારા બનાવવામાં આવેલ વ્યાપારી મોડેલ હોવાનું સામે આવ્યું. આ રોબોટ ભારતીય બજારમાં પહેલેથી જ ₹2 થી ₹3 લાખની વચ્ચે ઉપલબ્ધ છે.

વીડિયો વાયરલ થયા બાદ

વીડિયો વાયરલ થયા બાદ સમિટના આયોજકોએ ગાલ્ગોટિયાસ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને એક્સ્પો વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાએ માત્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નહીં, પરંતુ ભારતીય ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે.


સોશિયલ મીડિયા પર ચર્ચા

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે કહ્યું છે કે, આવી ખોટી રજૂઆતોથી સાચા ભારતીય સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોનું કામ છાયામાં રહી જાય છે. ઘણા લોકોનું માનવું છે કે નવીનતાનો દાવો કરવા કરતાં પારદર્શિતા અને સચ્ચાઈ વધુ મહત્વની છે.

આ સમગ્ર વિવાદ બાદ હવે સૌની નજર ગાલ્ગોટિયાસ યુનિવર્સિટીના સત્તાવાર જવાબ પર ટકી છે. જો યુનિવર્સિટી સ્પષ્ટતા નહીં કરે, તો આ ઘટના લાંબા સમય સુધી તેની છબી પર નકારાત્મક અસર કરી શકે છે.

આ પણ વાંચો : US immigration policy : ઇમિગ્રેશન મુદ્દે ટ્રમ્પને ઝટકો! રેટિંગ 38% ની નીચી સપાટીએ પહોંચ્યું