calendar_todaySeptember 1, 2026
Gandhidham : પ્રેમિકાને ફોન આવ્યો ને ભડક્યો બોયફ્રેન્ડ!, ચારિત્ર્યની શંકામાં ગળું દબાવી હત્યા, પછી મધ્યપ્રદેશ ફરાર
ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ભારતનગર વિસ્તારમાં આવેલા સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહેતી મીનાક્ષી લાલસિંહ પરિહારની હત્યા પાછળ તેના જ બોયફ્રેન્ડની સંડોવણી સામે આવી છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપી પ્રેમીને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
યુવતી ભાડાના મકાનમાં રહેતી હતી
મીનાક્ષી ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સોનલનગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને સોનાના શોરૂમમાં નોકરી કરતી હતી. ગત 20 ઓગસ્ટે તેના રહેણાંક મકાનમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

PM રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો
યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને જામનગર ખાતે PM માટે મોકલવામાં આવી હતી. PM રિપોર્ટમાં મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતાં પોલીસ તપાસ વધુ ગંભીર બની હતી. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય મીનાક્ષીના બોયફ્રેન્ડ ગૌરવ ખ્યાલસિંગ તરફ ગઈ હતી.
ફોન આવતા ચારિત્ર્ય અંગે શંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મીનાક્ષીને અવારનવાર અન્ય લોકોના ફોન આવતા હોવાના કારણે ગૌરવ તેના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો. બનાવના દિવસે પણ મીનાક્ષીને કોઈ વ્યક્તિનો ફોન આવતા બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી.
દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી ફરાર
બોલાચાલી ઉગ્ર બનતા ગૌરવ ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ દુપટ્ટા વડે મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી મકાનને તાળું મારીને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો હતો.

આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો
પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આખરે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે. ચારિત્ર્ય અંગેની શંકાએ એક પ્રેમસંબંધનો કરુણ અને ભયાનક અંત લાવ્યો છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video