calendar_todayOctober 17, 2026
Gandhinagar: રૂપાલ પલ્લી પહેલાં 10 જોખમી આવાસોને નોટિસ
ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે પાંડવોના કાળથી આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે. જેમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાંથી ભક્તો દર્શન માટે આવે છે. ત્યારે પલ્લી મેળા દરમિયાન કોઈ અનિચ્છિનિય ઘટના ન બને તે માટે ગામમાં 10 જેટલા જર્જરીત મકાન ઉતારી લેવા માટે મકાન માલિકને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને પણ મકાનથી દૂર રહેવા માટે સાવચેત કરતી સૂચનાઓ મારી દેવામાં આવી છે. ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે 19 ઓક્ટોબરની રાત્રે વરદાયિની માતાજીની પલ્લી નીકળશે. પલ્લી ગામના 27 જેટલા ચોકમાંથી પસાર થઈને મંદિર તરફ જાય છે. પલ્લીના દર્શન માટે તેના રૂટમાં આવતા ઘરો પર મોટી સંખ્યામાં લોકો ગોઠવાઈ જાય છે. ત્યારે જર્જરીત આવાસો પર કોઈ જાય નહીં તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.
ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જીગર પટેલની સૂનાચથી ગ્રામ પંચાયત દ્વારા પલ્લી મેળાના રૂટમાં આવતા જોખમી આવાસો તથા વીજ વાયરો આઈડેન્ટીફાય કરાયા હતા. જેમાં પલ્લીના રૂટ પર 10 જેટલા જર્જરીત આવાસ આવતા હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે જર્જરીત આવાસોને ઉતારી લેવા માટે ગ્રામ પંચાયત દ્વારા મકાન માલિકોને નોટિસો આપી દીધી છે. સાથે જ આવા જર્જરીત આવાસો પર સૂચનો આપતા બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. રૂપાલ ગામના નાગરિકો ઘણાખરા અંશે જર્જરીત આવાસોની વાકેફ હશે. જોકે બહારથી આવતા ભક્તો અજાણતા આવા કોઈ જર્જરીત આવાસ પર ચઢી ન જાય તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. રૂપાલ પલ્લીના મેળામાં બે દિવસમાં 15 લાખથી વધારે ભક્તો દર્શન માટે આવતા હોય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો