android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ગુજરાત પોલીસે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 1163 લોકોની ફરિયાદોનો નિકાલ કર્યો

calendar_todayJanuary 6, 2026

Gandhinagar: ગુજરાત પોલીસે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 1163 લોકોની ફરિયાદોનો નિકાલ કર્યો

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે 01 માર્ચ 2025ના રોજ શરૂ કરાયેલી GP-SMASH પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સમજી ઝડપથી સંબંધિત અધિકારી/કચેરી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસથી માત્ર એક સિંગલ ક્લિક દૂર છે. ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર ટેગ કરીને રજૂઆત કરી શકે છે.

ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ

આ પહેલ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ક્રાઇમ સંલગ્ન 233, શરીર સબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ -109, રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો સાથે અંદાજિત ૧૧૬૩ ફરિયાદો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી, જે પૈકીની ૧૧૫૦થી વધુ ફરિયાદોનો એટલે કે મોટાભાગની તમામ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ લાવવામાં આવેલ છે. GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ રિયલ ટાઈમમાં સોશિયલ મીડિયા પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને ટ્રેસ કરે છે. આ ઉપરાંત, તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત છે.

ટ્રેનમાંથી પડેલી મહિલાના બાળકોને સુરક્ષિત બચાવાયા

જાગૃત મહિલા તરુણાબેન જૈને X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ટ્રેન નંબર ૧૨૪૭૧ના કોચ S4 માંથી એક મહિલા નીચે પડી ગયાની અને તેમના બે બાળકો ટ્રેનમાં હોવાની જાણ કરી. GP-SMASH ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ કે.ઓ. દેસાઈએ માત્ર ચાર મિનિટમાં રિસ્પોન્સ કરી વેસ્ટર્ન રેલવે વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી. પરિણામે, એક ટીમે બાળકોને સુરક્ષિત કબજે કર્યા અને બીજી ટીમે પડી ગયેલી મહિલાને શોધી સારવાર સહિતની વ્યવસ્થા કરી.

કેનેડા સ્થિત યુવાનને એક જ દિવસમાં રૂ.65000 પરત મળ્યા

કેનેડામાં રહેતા આયુષ નામના યુવાને તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ X (ટ્વિટર) પર વેપારી સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ પોસ્ટ કરી.GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી. ભારત અને કેનેડા વચ્ચેના ૯ કલાક ૩૦ મિનિટના સમયના તફાવત છતાં, વડોદરા પોલીસે રાત્રિના સમયે (ભારતીય સમય મુજબ) આયુષ અને વેપારીનો સંપર્ક કર્યો, જેના પરિણામે વેપારીએ બીજા જ દિવસે આયુષને રૂ.65000 પરત કરી દીધા.

નર્મદાના જંગલમાં ભૂલા પડેલા પાંચ યુવાનોનું સફળ રેસ્ક્યુ

સુભાષિની એમ.નામની મહિલાએ X પર જાણકારી આપી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે રસ્તો ભૂલી ગયા અને સંપર્ક વિહોણા બન્યા હતા. GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ એસ. જી. ચૌહાણે તાત્કાલિક નર્મદા પોલીસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જણાવ્યું. સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે ૪:૩૦ વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા.


આ પણ વાંચોઃ Vadodara: ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત