calendar_todayJanuary 13, 2026
Gandhinagar : એક દાયકામાં દેશની બાયો ઈકોનોમી 10 બિલિયન ડોલરથી વધી 1600 બિલિયન ડોલરને પાર પહોંચી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી બાયો સેફ્ટી લેવલ ૪ લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ-૪” સુવિધાને ભારત સરકારની BioE3 નીતિ” અંતર્ગત 'નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી' તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરવામાં આવ્યો હતો.
સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ. ૩૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.
લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર
અમિત શાહે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર ખોલશે. ખાસ કરીને પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટે વડાપ્રધાને શરૂ કરેલા “વન હેલ્થ મિશન”ને આ લેબથી વેગ મળશે. તાજેતરમાં ગુજરાતે અનુભવેલા ચાંદીપુરા અને લમ્પી સ્કીન ડીઝીસ જેવા સંકટો સામે આ પ્રકારની રીસર્ચ આધારિત કાયમી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય હતી. છેલ્લા ૧૧ વર્ષમાં બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. વર્ષ ૨૦૧૪માં ભારતની બાયો-ઈકોનોમી જે ૧૦ બિલિયન ડોલર હતી, તે વર્ષ ૨૦૨૪ સુધીમાં વધીને ૧૬૬ બિલિયન ડોલરને પાર પહોંચી છે.
સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ
ગૃહ મંત્રીએ સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડતા કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં આ ક્ષેત્રે ૫૦૦થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે ૧૦,૦૦૦થી વધુ થયા છે. તેવી જ રીતે, ઇન્ક્યુબેટર્સની સંખ્યા ૬ થી વધીને ૯૫ અને ઇન્ક્યુબેસન સ્પેસ ૬૦ હજાર સ્ક્વેર ફૂટથી વધીને ૯ લાખ સ્ક્વેર ફૂટ થઈ છે. નોંધપાત્ર રીતે, પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. ૧૦ કરોડથી વધીને રૂ. ૭૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે અને પેટન્ટ ફાઈલિંગની સંખ્યા પણ ૧૨૫થી વધીને ૧૩૦૦ને પાર કરી ગઈ છે, જે દર્શાવે છે કે ભારતના યુવાનો હવે 'જોબ શિકર' નહીં પણ 'જોબ ગીવર' બન્યા છે.