calendar_todayMarch 30, 2026
Gandhinagar : ખેડૂતોની જીત, સરકારે કિસાન સંઘની 14 માંગણીઓ સ્વીકારી
ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સુખદ અંત આવ્યો છે. કિસાન સંઘના અગ્રણી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની પડતર 14 મુખ્ય માંગણીઓનો સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કર્યો છે. આ નિર્ણયને કિસાન સંઘની મોટી સફળતા ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે અને આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.
"કેલ્ક્યુલેટરમાં ન આવે એટલી મોટી ભેટ"
આર.કે. પટેલે ઉત્સાહભેર જણાવ્યું કે, સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની આર્થિક અસર એટલી મોટી છે કે તે કદાચ કેલ્ક્યુલેટરમાં પણ ન સમાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોના હિત માટે કિસાન સંઘ હંમેશા સરકારનું ધ્યાન દોરતું રહેશે અને સતત રજૂઆતો ચાલુ રાખશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોના ખેતરની કાયાપલટ થવાની આશા સેવાઈ રહી છે.
સરકારનો પ્રતિસાદ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘની ટીમ સાથે રચનાત્મક વાતચીત થઈ છે. સરકાર માટે ખેડૂતો હંમેશા પ્રાધાન્યમાં રહ્યા છે. અગાઉ નક્કી કરેલા મુદ્દાઓ અને વર્તમાન માંગણીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયોથી ખેડૂતોના જીવનધોરણમાં મોટું પરિવર્તન આવશે.
આ પણ વાંચો---- PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, જાણો વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ