android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : શહેરમાં ગેરકાયદે પાણી-ગટરના 16 જોડાણો કપાયા : 61ને નોટિસ

calendar_todayOctober 27, 2026

Gandhinagar : શહેરમાં ગેરકાયદે પાણી-ગટરના 16 જોડાણો કપાયા : 61ને નોટિસ

ગાંધીનગરમાં મહાનગર પાલિકાએ ગેરકાયદેસર પાણી ગટરના જોડાણ લેનાર આસામીઓ સામે લાલઆંખ કરી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન 16 જેટલા ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલીક ધોરણે કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે 61 કિસ્સામાં આ મામલે જે તે આસામીઓને નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, શહેરમાં ગેરકાયદેસર પાણી ગટરના જોડાણ મેળવનાર આસામીઓ સામે મનપાએ ખાસ ઝુંબેશ હાથધરી ચેકિંગ કરવામા આવ્યુ હતું. જે વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે તે પૈકી મોટાભાગના ન્યુ ગાંધીનગર વિસ્તારના છે. જેમાં કુડાસણ, સરગાસણ, રાયસણ, કોલવડા ઉપરાંત રાંધેજા અને પેથાપુર વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કેટલાક સમયથી ગેરકાયદેસર પાણી અને ગટર કનેક્શન લેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આ મામલે ગેરકાયદેસર કનેક્શન ધારકોને ચેતવણી આપી સ્વૈચ્છાએ કનેક્શનો દુર કરવા જણાવાયુ હતું. બીજીતરફ ગેરકાયદેસર કનેક્શનો શોધી કાઢવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત કરવાના હેતુથી આ ઝુંબેશ હાથધરાઇ હતી. જેમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર જોડાણો ધરાવતા કિસ્સાઓમાં મિલકતધારોને નોટિસો આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, તંત્ર દ્વારા છેલ્લા બે દિવસમાં જ આ મામલે 61 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા 16 જેટલા પાણી અને ગટર જોડાઓને તાત્કાલીક ધોરણે સ્થળ પર જ કાપી નાખી સખત કાર્યવાહી કરવામાં આવી હતી. એક તરફ ગાંધીનગરમાં રાઉન્ડ ધ ક્લોક પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બીજીતરફ પાણીની ડિમાન્ડ પણ દિનપ્રતિદિન વધતી રહી છે. આ સ્થિતીમાં કેટલાક આસામીઓ દ્વારા ગેરકાયદેસર નળ જોડાણો મેળવીને મનપાના પાણી પુરવઠા વ્યવસ્થાને આડકતરી રીતે અસર પહોંચાડી રહ્યા છે. મનપાએ તમામ નાગરિકોને અપીલ કરી છેકે, તેઓ પોતાના રહેઠાણ કે વાણિજ્યીક એકમોના પાણી અને ગટરોના જોડાણો સંપુર્ણપણે કાયદેસર અને મહાનગરપાલિકાના પ્રવર્તમાન નિયમો અનુસાર જ હોવાની ખાસ ખાતરી કરે. શહેરની જાહેર સુવિધાઓના લાંબાગાળાના યોગ્ય સંચાલન અને નિભાવ માટે તમામ શહેરીજનોને આ મામલે જાગૃત બનવા અને સ્વયંભુ રીતે મનપાને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો