android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : વન વિભાગ 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરશે, GIS મેપિંગ કરી જમીનની ઓળખ કરાશે

calendar_todayJanuary 2, 2026

Gandhinagar : વન વિભાગ 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરશે, GIS મેપિંગ કરી જમીનની ઓળખ કરાશે

કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર માટે કરાશે

વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે.

વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી

મંત્રીએ કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી.આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે.આવી જમીનનું રક્ષણ,જાળવણી તથા સંરક્ષણ કરવાની જવાબદારી વન અને પર્યાવરણ વિભાગ/ તેના તાબા હસ્તકની કચેરીઓની રહેશે.આ કાર્યક્ષેત્ર હેઠળની જમીન પર જો દબાણ હોય તો તે દુર કરવા અંગેની કાર્યવાહી વન અને પર્યાવરણ વિભાગ/તેના તાબા હસ્તકની કચેરીએ કરવાની રહેશે.

જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી

આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનમાંથી ઈલેકટ્રીક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થળ સ્થિતિ અનુસાર અન્ય કોઈ સંસ્થા-કચેરીનો અભિપ્રાય મેળવવો યોગ્ય જણાય તો સંબંધિત કચેરીનો અભિપ્રાય મેળવવાનો રહેશે. સંરક્ષિત વિસ્તારોમાં વન્યપ્રાણી વિભાગો દ્વારા અને વન વિસ્તારોમાં આવતી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી ક્ષેત્રીય વન વિભાગો દ્વારા કરવાની રહેશે. આ સંરક્ષિત વિસ્તારો અને વન વિસ્તારો બહાર આવેલી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી સામાજિક વનીકરણ વિભાગો દ્વારા નક્કી કરેલ શરતોને આધિન અને જે તે જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી કરી તેઓના હસ્તક મેળવી આગળની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો, જાણો કોને કયા વિભાગમાં મુક્યા