android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 સિનિયર GAS અધિકારીઓ ઘરભેગા; જોઈન્ટ કમિશનર અને MD ની તાત્કાલિક હકાલપટ્ટી

calendar_todayOctober 27, 2026

Gandhinagar: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 સિનિયર GAS અધિકારીઓ ઘરભેગા; જોઈન્ટ કમિશનર અને MD ની તાત્કાલિક હકાલપટ્ટી

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને સ્વચ્છ, પારદર્શક અને ગતિશીલ બનાવવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ વધુ એક આકરો સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પોતાની કાનૂની સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત વહીવટી સેવા (GAS) સિનિયર સ્કેલના વધુ બે વરિષ્ઠ અધિકારીઓને જાહેર હિતમાં સમય પૂર્વે ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કરી દીધા છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયના પગલે સચિવાલયથી લઈને રાજ્યની સમગ્ર અમલદારશાહીમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.

આ બે સિનિયર અધિકારીઓ સામે થઈ લાલ આંખ

ડી.આઈ. ભગલાણી (D.I. Bhaglani - GAS સિનિયર સ્કેલ) તેઓ ગાંધીનગર ખાતે જોઈન્ટ કમિશનર (Joint Commissioner) તરીકે કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાનની કામગીરી અને સેવાકીય રેકોર્ડની ચકાસણી બાદ સરકારે તેમને તાત્કાલિક અસરથી સમય પહેલાં નિવૃત્ત કરવાનો આદેશ કર્યો છે. જે.એમ. તુવર (J.M. Tuvar - GAS સિનિયર સ્કેલ)તેઓ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સામે પણ વહીવટી નિયમો મુજબ પગલાં લઈને મુદત પૂર્વે જ નિવૃત્તિ આપી દેવામાં આવી છે.

શું છે ‘ઓપરેશન ગંગાજળ’ અને કેમ લેવાયો નિર્ણય?

ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ (GCSR) ની કલમો હેઠળ રાજ્ય સરકારને સત્તા છે કે જે અધિકારીઓની કામગીરી શંકાસ્પદ હોય, ભ્રષ્ટાચારના આક્ષેપો હોય કે વહીવટી રીતે બિનકાર્યક્ષમ સાબિત થયા હોય તેમને 50 કે 55 વર્ષની વય વટાવ્યા બાદ જાહેર હિતમાં ફરજિયાત નિવૃત્ત કરી શકાય છે. ઉચ્ચ સચિવોની બનેલી કમિટી દ્વારા અધિકારીઓના છેલ્લા કેટલાક વર્ષોના કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (CR), વિજિલન્સ તપાસો અને પ્રજાકીય ફરિયાદોનું બારીકાઈથી ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં બંને અધિકારીઓની કામગીરી સંતોષકારક ન જણાતાં તેમને સમય પહેલાં ઘરભેગા કરવાનો આખરી ફેંસલો લેવાયો હતો. આ કાર્યવાહી દ્વારા સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી તંત્રમાં કોઈપણ સ્તરે ભ્રષ્ટાચાર, નિષ્ક્રિયતા કે પ્રજાના કામોમાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.

આ પણ વાંચો: Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!