calendar_todayJanuary 2, 2026
Gandhinagar: 2027 સુધીમાં એસટી બસોમાં મુસાફરોની સંખ્યા 30 લાખ સુધી પહોંચાડાશે
રાજ્યના નાગરિકોની સુખાકારી માટે 365 દિવસ અને 24 કલાક કાર્યરત વિભાગોના કર્મચારીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે આખું જગત તહેવારો ઉજવતું હોય છે. ત્યારે ગુજરાતના કેટલાક વિભાગો એક મિનિટ માટે પણ અટકતા નથી.તેમણે ગર્વ સાથે કહ્યું કે હોસ્પિટલો,પોલીસ સ્ટેશનો,ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસ.ટી.નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ વર્ષના 365 દિવસ અને 24 કલાક કાર્યરત રહે છે.
મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના નવનિયુક્ત ઉમેદવારોની આ ભરતી પ્રક્રિયા દ્વારા નિગમને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.પરિવહન ક્ષેત્રે ભવિષ્યના લક્ષ્યાંકો નિર્ધારિત કરતા સંઘવીએ જણાવ્યું કે,દૈનિક અંદાજિત ૨૪ લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડતા એસટી નિગમે વર્ષ 2025 સુધી 27 લાખ મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. એસ.ટી. નિગમ દ્વારા નિર્ધારિત સમયમાં દૈનિક 27 લાખ મુસાફરોને સેવા આપવા કરેલો લક્ષ્યાંક સિદ્ધ કરી દીધો છે તે ગર્વની વાત છે.હવે 2027 સુધીમાં આ લક્ષ્યાંકને વધારીને 30 લાખ સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે.
બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આપણું યોગદાન
તેમણે કહ્યું હતું કે, એક અભ્યાસ મુજબ આ લક્ષ્યાંક સિધ્ધ થશે તો હાઈવે લોડમાં તો ઘટાડો થશે જ, સાથે સાથે જાહેર માર્ગો પર ફરતા ફોર વ્હીલર અંદાજે ૨૫ હજાર અને ટુ વ્હીલર અંદાજે 1 લાખ ઘટશે. જે પ્રદૂષણની સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.આ ઉપરાંત,હાલમાં 9 લાખ વિદ્યાર્થીઓ એસ.ટી. બસોનો લાભ લઈ રહ્યા છે જેને વધારીને 10 લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય છે.જો આપણે 10 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું તો વધુ એક લાખ પરિવારોને સીધી મદદ મળશે અને તે એક લાખ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આપણું યોગદાન ઉમેરશે.
ભવિષ્ય માટે 29 નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા
2025માં એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યોથી માહિતગાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે,માત્ર એક વર્ષમાં 1714 નવી નક્કોર બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જેમાં 962 સુપર એક્સપ્રેસ, 272 સેમી લક્ઝરી, 350 મિડી બસો તથા 30 વોલ્વો અને 100 એસી બસોનો સમાવેશ થાય છે.આ સાથે જ મુસાફરોની સુવિધા માટે 2025માં 27 નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે 29 નવા કામોના ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યા છે.તેમણે તમામ કર્મચારીઓને બસો અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી.