android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી

calendar_todaySeptember 16, 2026

Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણને એક મહત્ત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને ગાંધીનગર મહાનગરપાલિકા સહિત થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકા તેમજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકોની સામાન્ય અને પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ જાહેરાતની સાથે જ સંબંધિત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.

ગાંધીનગર મનપા, થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી

ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે અગાઉ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ 14 સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) મારફતે પાર પાડવામાં આવશે. સુરક્ષા માટે 1300થી વધુ પોલીસ સ્ટાફની તૈનાતી વચ્ચે સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી કુલ 413 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

11 ઓક્ટોબરના મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી

ગાંધીનગર મનપા ક્ષેત્રમાં કુલ 2,59,443 નોંધાયેલા મતદારો (1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય) 295 બુથ પર મતદાન કરશે. મનપાની 44 બેઠકોમાંથી 50% એટલે કે 22 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. આ ઉપરાંત 12 OBC, 5 SC, 1 ST અને 13 સામાન્ય બેઠકો જાહેર કરાઈ છે. ગત ચૂંટણીમાં 44 માંથી 41 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 (જે પાછળથી ભાજપમાં જોડાયા) અને આપને 1 બેઠક મળી હતી.

21 સપ્ટેમ્બરે નોટિફિકેશન, 26 સુધી ભરાશે ફોર્મ

તારીખ મુજબ 21 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થશે, 26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે અને 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન, જરૂર પડે તો 12મીએ પુનઃ મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.