calendar_todayOctober 15, 2026
Gandhinagar : રાંદેસણમાં ધોળેશ્વર પાર્ક સાસોયટી પાસેથી 5 ફુટ લાંબો અજગર નિકળ્યો
સાબરકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોમાં અત્યાર સુધી જોવા મળતા અજગરનું હવે ગાંધીનગર પ્રાકૃતિક નિવાસ્થાન બન્યુ છે. જ્યારથી સંતસરોવરમાં પાણી સંગ્રહ શરૂ થયો છે ત્યારથી ધીમેધીમે અજગરની સંખ્યા વધી છે.ગાંધીનગરમાં જોવા મળતા અજગરને ઇન્ડિયન રોક પાયથોન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી અને સંતસરોવર આસપાસનો નદી કિનારો અને કોતરોનો વિસ્તાર અજગર માટે અનુકુળ બન્યા છે. તાજેતરમાં જ બાસણ, રાંદેસણ વિસ્તારમાં અજગર છેક રહેણાંક વિસ્તારો સુધી ધસી આવ્યા હતા. આવી જ ઘટના આજે રાંદેસણ મેટ્રોરેલ સ્ટેશન પાસે બની હતી. અહિ આવેલ ધોળેશ્વર પાર્ક સોસાયટી પાસે એક સાપ હોવાનો કોલ શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટના એનિમલ રેસ્ક્યુ ટીમને મળ્યો હતો. જેથી રેસ્ક્યુ ટીમના નરેશ બારોટ સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ કરતા સોસાયટી પાસેના વિસ્તારમાં સાપ નહી પરંતુ અજગર હોવાનું જણાયુ હતું. તેને રેસ્ક્યુ કરીને સંતસરોવર પાસે છોડી મુકાયો હતો. આ અજગરની લંબાઇ પાંચ ફુટ જેટલી હતી. ઉલ્લેખનીય છેકે, અજગર બીનઝેરી હોય છે. તેનો ખોરાક મુખ્યત્વે ઉંદર, સસલા, પક્ષી જેવા નાના પ્રાણીઓ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો