android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ

calendar_todaySeptember 8, 2026

Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ

રાજ્યમાં કોડીનયુક્ત દવાઓ અને નશાકારક સિરપના ગેરકાયદે વેચાણને નાબૂદ કરવા માટે આરોગ્ય મંત્રીની કડક સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં એક સાથે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ

આ ડ્રાઇવ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 'બાલાજી ફાર્મા' ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નિયમોના ભંગ બદલ રૂ. 83.07 લાખની કિંમતનો 'Rexton-T Syrup' નો મોટા પ્રમાણનો જથ્થો પ્રતિબંધિત (Stop-Sale) કરીને ફ્રીઝ કરી દીધો છે.તપાસનો ધમધમાટ આગળ ધપાવતા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી 'હેલ્થ પોઇન્ટ ફાર્મા' દ્વારા કોડીનયુક્ત દવાઓના વેચાણના નિયમોનો ગંભીર ભંગ કરાયો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા આ પેઢીનો દવા વેચાણનો પરવાનો (લાઇસન્સ) તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે.

શંકાસ્પદ વેપાર કરતી ૭ પેઢીઓને કારણદર્શક નોટિસ

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન કોડીન ધરાવતી કફ સિરપ અને દવાનો ગેરકાયદે કે શંકાસ્પદ વેપાર કરતી અન્ય ૭ જેટલી જાણીતી પેઢીઓને કાયદાકીય કલમો હેઠળ 'કારણદર્શક નોટિસ' પાઠવવામાં આવી છે. યુવાધનને નશાની ગરજ સારતી કોડીનયુક્ત સિરપોથી બચાવવા રાજ્ય સરકાર આક્રમક મોડમાં છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કે ચોપડે નોંધ રાખ્યા વગર કોડીનયુક્ત દવાઓ વેચનાર મેડિકલ સ્ટોર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સામે લાઇસન્સ રદ્દીકરણ સુધીના પગલાં લેવાશે. આવનારા દિવસોમાં પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Navsari: PM મોદીએ AI આધારિત આધુનિક 'નમો કમલમ' કાર્યાલયનું કર્યું લોકાર્પણ, કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ