android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: મંડળી ગરબામાં બાઉન્સરોની દાદાગીરી સામે પોલીસ એક્શન; સાંતેજ પોલીસ મથકે FIR

calendar_todayOctober 20, 2026

Gandhinagar: મંડળી ગરબામાં બાઉન્સરોની દાદાગીરી સામે પોલીસ એક્શન; સાંતેજ પોલીસ મથકે FIR

ગાંધીનગર જિલ્લાના નાસ્મેદ ગામની સીમમાં આયોજિત જાણીતા અને હાઈ-પ્રોફાઈલ ‘મંડળી ગરબા મહોત્સવ’ માં આઠમા નોરતે સર્જાયેલી હિંસક બબાલ અને અફરાતફરીના મામલે આખરે કાયદાકીય સકંજો કસાયો છે. ગરબામાં પ્રવેશ દરમિયાન પાસ સ્કેનિંગ કરવાના સામાન્ય મુદ્દે સિક્યોરિટી બાઉન્સરો દ્વારા યુવકો પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાઉન્સરોએ કાયદો હાથમાં લઈને યુવકો પર ખુલ્લી તલવાર, લાકડાના ધોકા અને લોખંડની સાંકળો વડે ખૂની હુમલો કર્યો હતો. આ હિંસક મારામારીમાં રાંચરડા ગામના મૌલિક ઠાકોર સહિત અનેક યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે પૈકી બે યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાસ સ્કેનિંગના મુદ્દે તકરાર વધી અને બાઉન્સરો હથિયારો સાથે તૂટી પડ્યા

પોલીસ ફરિયાદમાં દર્શાવેલી પ્રાથમિક વિગતો મુજબ નાસ્મેદ ગામની સીમમાં ચાલી રહેલા ‘મંડળી ગરબા’ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખેલૈયાઓ અને યુવકો એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે પાસ સ્કેનિંગની પ્રક્રિયા બાબતે બાઉન્સરો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોએ ગેરવર્તણૂક શરૂ કરી હતી અને જોતજોતામાં ગેટ પર તૈનાત અન્ય બાઉન્સરો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. કોઈ પણ દયા રાખ્યા વગર બાઉન્સરોએ પોતાની પાસે અગાઉથી સંતાડી રાખેલા હથિયારો  લાકડીઓ, લોખંડની જાડી સાંકળો તેમજ તીક્ષ્ણ તલવારો કાઢીને યુવકો પર હુમલો કરી દીધો હતો.

બે યુવકો હોસ્પિટલમાં દાખલ

અચાનક થયેલા આ ઘાતકી હુમલાના પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી.નજીકના રાંચરડા ગામના રહેવાસી મૌલિક ઠાકોર તેમજ તેમની સાથે આવેલા અન્ય મિત્રો પર બાઉન્સરોએ નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો.લોખંડની સાંકળો અને લાકડીઓના આડેધડ ફટકા વાગવાથી અનેક યુવકો લોહીલુહાણ થઈને ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા.ગંભીર ઈજાઓ પહોંચતાં બે યુવકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.

સાંતેજ પોલીસે સિક્યોરિટી બાઉન્સરો સામે નોંધ્યો ગુનો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.ભોગ બનનાર યુવકોની ફરિયાદના આધારે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં સિક્યોરિટી બાઉન્સરો વિરુદ્ધ રાયોટિંગ, હુમલો કરવો અને ઘાતક હથિયારો વડે ઈજા પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો કબ્જે કરીને મારપીટ કરનારા ચોક્કસ બાઉન્સરોની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.ગરબા મહોત્સવના સંચાલકોએ સિક્યોરિટી માટે કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ગેટ પર બાઉન્સરો પાસે તલવાર જેવા ગેરકાયદે હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ પોલીસે આયોજકોની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી, હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર