android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News:  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

calendar_todayFebruary 12, 2026

Gandhinagar News: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર - ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 સુધી યોજાશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી

આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તા. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2026 દરમિયાન યોજાશે. વધુમાં, રાજ્યના 1.35 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ 'ગુજકેટ 2026ની પરીક્ષા પણ આપશે. આમ, કુલ મળી 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં સમીક્ષા કરીને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકો ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.

ભૂતકાળમાં બનેલા બનાવોનો અભ્યાસ કરવો જોઈએ

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓએ ભૂતકાળમાં બનેલા બનાવોનો અભ્યાસ કરવો જોઈએ અને આ વર્ષે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવી જોઈએ. વર્ષ-2025માં યોજાયેલી ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામોના પૃથ્થકરણના આધારે વિશેષ તકેદારી રાખવા પાત્ર જિલ્લાઓ તેમજ કેન્દ્રોમાં વધુમાં વધુ ચોકસાઈપૂર્વક તૈયારીઓ રાખવી જોઈએ. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ગભરાહટ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર 'ફર્સ્ટ એઇડ' ટીમ સુનિશ્ચિત કરવા પણ મંત્રીએ સૂચના આપી હતી. રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓ અને કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવા પણ તેમણે તાકીદ કરી હતી, જેથી કોઈ વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ કે સ્માર્ટવોચ જેવા ઉપકરણો લઈને આવે તો તેની જાણકારી મળી શકે.

કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિને તકેદારી રાખવાના કેન્દ્રો, જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને દેખરેખની ફરજ સોંપવા, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, જાહેરનામાની પ્રસિદ્ધિ, પ્રશ્નપત્રના સ્ટ્રોંગરૂમ ખાતે હથિયારધારી પોલીસ બંદોબસ્ત, એસ.ટી. બસોના રૂટની ગોઠવણી તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વિગતવાર માહિતી મેળવી અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં આ પરીક્ષા 146 ઝોન, 1701 કેન્દ્રો, 5565 બિલ્ડિંગ તેમજ 53764 બ્લોકમાં યોજાશે. આ ઉપરાંત ગુજકેટ-2026ની પરીક્ષા 34 ઝોન, 34 કેન્દ્રો, 658 બિલ્ડિંગ અને 6803 બ્લોકમાં યોજાશે.


આ પણ વાંચોઃ Jamnagar News: શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો