calendar_todayMay 12, 2026
Gandhinagar News: મગોડીમાં 15 કલાક સુધી કૂવામાં ફસાયેલો રહ્યો શ્રમિક, 4 કલાકના રેસ્ક્યુ બાદ જીવ બચ્યો
મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ અર્થે આવ્યો હતો. મોડી રાત્રે અંધારાના કારણે આ શ્રમિકને રસ્તામાં રહેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્યો હતો. રાત્રિનો સમય હોવાથી તેની મદદ માટે કોઈ આવી શક્યું ન હતું. આ શ્રમિક સતત 15 કલાક સુધી કૂવામાં ભૂખ્યો અને તરસ્યો ફસાયેલો રહ્યો હતો. છેવટે સવારના સમયે તેનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો અને ગામના સરપંચ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સદ્દભાવના ટ્રસ્ટ અને સ્થાનિકોનું સફળ રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદ્દભાવના ટ્રસ્ટની ટીમ અને સ્થાનિકોની મદદથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંદાજે 4 કલાકની સતત મહેનત બાદ શ્રમિકને કૂવામાંથી સહી-સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવો ઊંડો હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી સાવચેતી રાખવામાં આવી હતી, જેથી શ્રમિકને વધુ ઈજા ન પહોંચે.
ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો
કૂવામાં પટકાવાને કારણે શ્રમિકને કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 15 કલાક સુધી મોત સામે જંગ લડ્યા બાદ શ્રમિકનો જીવ બચી જતાં તેના પરિવાર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો