calendar_todaySeptember 17, 2026
Gandhinagar News: અંબાજી પદયાત્રા માર્ગ પર 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરાશે, બે લાખ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહનું લક્ષ્ય
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.અંબાજી પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતા જાળવવા,ઘન કચરાના યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી છે.
આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરાશે
આ યાત્રા અંતર્ગત ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ થકી તથા 2 લાખ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.મંત્રીઓએ ફ્લેગ ઓફ સેરેમની દ્વારા અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026ની જનજાગૃતિ અને સ્વચ્છતા કામગીરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,દેશમાં પરિવર્તનના પાયામાં આપણા વડાપ્રધાન મોદીનું યોગદાન રહ્યું છે.આજે ગુજરાતમાં તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આપણે અંબાજી પદયાત્રા સાથે સ્વચ્છ પર્યાવરણનો સંકલ્પ લઈ રહ્યા છીએ.માતાજીના દર્શન માટે આપણે શ્રદ્ધાથી જઈએ છીએ ત્યારે આ ધરતીમાતા પ્રત્યેની આપણી જવાબદારી પણ યાદ રાખવી જોઈએ.સ્વચ્છતાની જાળવણી આપણા સૌની જવાબદારી છે.
300 જેટલા કેમ્પમાં ડિસ્પોઝેબલ બેગનું વિતરણ કરાશે
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી આપણા સૌના જીવનમાં સ્વચ્છતા શબ્દ વણાઇ ગયો છે.આ યાત્રાનું કેન્દ્રબિંદુ શ્રદ્ધાથી સ્વચ્છતા રાખવું જોઇએ જેથી ધરતી માતા પ્રદૂષિત ન થાય.ગયા વર્ષે આ યાત્રામાં 70 ટનથી વધુ કચરો એકત્ર થયો હતો.હવે આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે આગામી વર્ષોમાં કચરો એકત્ર કરવાની જરૂર જ ન પડે.GPCB અને જીએસઆરટીસી દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, ડિસ્પોઝેબલ અને કમ્પોસ્ટેબલ વિકલ્પોને પ્રોત્સાહન આપવા તથા જનજાગૃતિ માટે જે પહેલ કરવામાં આવી રહી છે તે પ્રશંસનીય છે.આ વર્ષે 300 જેટલા કેમ્પમાં ડિસ્પોઝેબલ બેગનું વિતરણ કરવાનો નિર્ધાર છે.
આ પણ વાંચોઃ Rajkotમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: 12 વર્ષીય સગીરાને કેટરર્સના કામના બહાને દેહવ્યાપારમાં ધકેલી