calendar_todayMarch 12, 2026
Gandhinagar News : રાજ્યના 29 જૂના શ્રમ કાયદાઓ એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ અમલી કરાઈ
વિધાનસભા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.શ્રમમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે કુલ રૂ. 4,08,053કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.
નવી શ્રમ સંહિતા અમલી બનાવવામાં આવી
ભારત સરકારના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ, દેશના સરેરાશ ૩.૨ ટકા બેરોજગારી દરની સામે ગુજરાતમાં આ દર માત્ર ૧.૧ ટકા જેટલો નીચો છે, જે સરકારના અસરકારક પ્રયાસો દર્શાવે છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં ૨૯ શ્રમ કાયદાઓને એકીકૃત કરી ૪ નવી શ્રમ સંહિતાઓ તા.૨૧/૧૧/૨૦૨૫ થી અમલી બનાવવામાં આવી છે. આ સુધારાઓથી શ્રમિકોના અધિકારોનું રક્ષણ થશે અને ઉદ્યોગો માટે 'Ease of Doing Business' માં વધારો થશે.તેમણે કહ્યું કે શ્રમયોગીઓના કલ્યાણ માટે કાર્યરત વિવિધ બોર્ડ દ્વારા અનેક યોજનાઓ અમલી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ ૧૧.૪૦ લાખથી વધુ શ્રમિકો નોંધાયેલા છે.શ્રમ મંત્રીએ કહ્યું કે બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા પૂરી પાડતા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની સંખ્યા આગામી વર્ષે ૫૦૦ સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
રાજ્યના યુવાધનને તાલીમબદ્ધ કરાશે
આ માટે રૂ. ૬૦ કરોડ ફાળવાયા છે. જ્યારે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ માત્ર રૂ. ૫માં પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે નવાં ૩૦૦ કેન્દ્રો ઉમેરવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યના યુવાધનને તાલીમબદ્ધ કરવા માટે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ હેઠળ રૂ. ૨૨૬ કરોડ અને ITI ના અપગ્રેડેશન માટે ‘પી.એમ. સેતુ’ યોજના હેઠળ રૂ. ૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ જ રીતે, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ ITI માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રૂ. ૧૫,૦૦૦ થી ૨૪,૦૦૦ ની સહાય માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગની અન્ય મહત્ત્વની બાબતો મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
બજેટ ફાળવણી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2902 કરોડની જોગવાઈ
‘ઈ-શ્રમ’ પોર્ટલ: રાજ્યમાં 1.23 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની ‘ઈ-શ્રમ’ પોર્ટલ પર નોંધણી
મહિલા ઉત્કર્ષ: મહિલા બાંધકામ શ્રમિકો માટે 37500ની પ્રસૂતિ સહાય યોજના
સિલિકોસીસ પીડિતોને સહાય: અકીક અને પથ્થરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને ગંભીર સિલિકોસીસ રોગની સારવાર માટે રૂ.3લાખ અને મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. 4 લાખની સહાય આપવાની જોગવાઈ
અગરીયાઓ માટે આવાસ: કામના સ્થળે વિષમ પરિસ્થિતિમાં રહેતા 2500 મીઠા અગરીયાઓને સોલાર પેનલ અને પાણીના ટાંકા સાથેના પોર્ટેબલ આવાસ પૂરા પાડવાનું આયોજન
મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના: બાંધકામ શ્રમિકની દીકરીના નામે રૂ.25 હજારના બોન્ડ 18 વર્ષની મુદત માટે આપવામાં આવે છે, જેના માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ
શ્રમિક પરિવહન યોજના: શ્રમિકોને કડિયાનાકાથી કામના સ્થળે જવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસિપલ બસ પાસના ખર્ચમાં 80 ટકા સહાય
ITI ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યની 16 આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડિંગના બાંધકામ માટે રૂ.97 કરોડ અને માળખાકીય સુવિધાઓના મજબૂતીકરણ માટે રૂ.64 કરોડની જોગવાઈ
શ્રમ સેતુ પોર્ટલ: શ્રમિકોની ગ્રેચ્યુઇટી અને ઔદ્યોગિક વિવાદોની અરજીઓ ઓનલાઈન ઉકેલવા માટે 'કેસ એન્ડ ક્લેઈમ મેનેજમેન્ટ મોડ્યુલ' વિકસાવાયું
અંત્યેષ્ઠિ સહાય: અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની મરણોત્તર ક્રિયા માટે રૂ. 10000ની સહાયની જોગવાઈ
સામાજિક સુરક્ષા:અકસ્માત મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીઓને રૂ.4 લાખ સુધીની સહાય