calendar_todayMarch 23, 2026
Gandhinagar News : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાર યાદીની આજે થશે જાહેરાત, અંતિમ મતદાર યાદી 30 માર્ચે જાહેર થશે
મહાનગરપાલિકામાં પદાધિકારીઓની ટર્મ પૂરી થયા બાદ હાલમાં ચૂંટણીનો ગરમાટો ધીરે ધીરે આવી રહ્યો છે. રાજકીય પક્ષો દાવા અને આક્ષેપો સાથે ચૂંટણી જંગમાં જોતરાઇ ગયા છે. બીજી બાજુ પાલિકાનું વહીવટી તંત્ર ચૂંટણી માટે સજ્જ થઇ ગયું છે. જે અંતર્ગત અંદાજે ૨૪.૭૨ લાખ મતદારો સાથેની પાલિકાની મતદાર યાદી ૨૩ માર્ચના સોમવારે પ્રસિદ્ધ થશે.
વિધાનસભાની યાદીને આધારે પાલિકાની ૩૦ વોર્ડની યાદી તૈયાર કરવામાં આવી છે
રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાનો દોર ચાલ્યા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચા અને તૈયારીઓ જોરશોરમાં ચાલી રહ્યા છે. દરમિયાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે મહત્ત્વનો તબક્કો કે તૈયારી ગણી શકાય એવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી વિધાનસભાની યાદી જાહેર થયા બાદ હવે તેને આધારે પાલિકાના ૩૦ વોર્ડ અને વિવિધ બૂથની મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. માર્ચ માસના આરંભથી જ પાલિકાના ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી તૈયાર કરવાની ઝુંબેશરૂપી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તાપીપુરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે તમામ ૩૦ વોર્ડની યાદી જોવા મળશે
વિભાગના ૧૫ જેટલા કર્મચારીઓ સાથે ઝોનમાં એક ડેપ્યુટી, બે આસિસ્ટન્ટ ઈજનેર સહિતના ૨૦ જેટલા અધિકારીઓને કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. કુલ ૪૫ જેટલા કર્મચારી, અધિકારીઓએ વિધાનસભાની યાદીનું નિરીક્ષણ કરીને તેને આધારે પાલિકાની વોર્ડદીઠ યાદી બનાવી છે. દરેક બૂથની યાદી પ્રમાણે મતદાર નોંધણી અધિકારીની સહી સાથેની યાદી પ્રસિદ્ધ થશે. અંદાજે ત્રણ અઠવાડિયાની કામગીરી બાદ સોમવારે સવારે ઓફિસ અવર્સના આરંભસાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. બૂથ અને મતદારોની ચોક્કસ સંખ્યા સોમવારે યાદીના પત્રક સાથે સ્પષ્ટ થઇ જશે. તાપીપુરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે તમામ ૩૦ વોર્ડની યાદી જોવા મળશે.
વોર્ડ ઓફિસો મળીને 40 જગ્યાએ ચોક્કસ વોર્ડની યાદી જોવા મળશે
જ્યારે અન્ય ઝોનની કચેરી અને વોર્ડ ઓફિસો મળીને ૪૦ જગ્યાએ ચોક્કસ વોર્ડની યાદી જોવા મળશે. વિધાનસભા મતદાર વિભાગના મતદાર તરીકે નામ નોંધાયું હોય, પરંતુ પાલિકાની મતદાર યાદીમાં નામ રહી ગયું હોય તે વ્યક્તિએ જરૂરી પુરાવા સાથે પાલિકાની કચેરી તાપી ભવનમાં રૂમ નંબર-૧૨ ઇલેક્શન વિભાગમાં નિયત નમૂના સાથે અરજી કરવાની રહેશે.