calendar_todayFebruary 8, 2026
Gandhinagar News : ગુજરાતમાં રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ ડાયવર્ઝન, 5 વર્ષમાં જંગલની 6850 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઇ
ગુજરાતમાં સામાન્યત ઔદ્યોગિક, રસ્તા, નહેર કે વીજલાઈન જેવા સરકારી પ્રોજેક્ટ, રહેણાંક જેવા હેતુસર જંગલ માટે આરક્ષિત જમીનની ફાળવણી કરવામાં આવે છે. અત્યાર સુધી દરવર્ષે આ પ્રકારે રિર્ઝવ ફોરેસ્ટમાંથી ૫૦૦થી ૭૦૦ હેક્ટર જમીનની ફાળવણી થતી હતી. પરંતુ, તેમાં હવે ઉત્તરોત્તર બમણો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ જ વર્ષમાં રક્ષિત જંગલમાંથી ૬,૮૫૦.૧૧ હેક્ટર જમીનની ફાળવણી અન્ય ઉદ્દેશ્યો માટે આપી દેવાઈ છે.
ગુજરાત વન વિભાગનો રીપોર્ટ આવ્યો સામે
આરક્ષિત અને રક્ષિત જંગલની જમીન ફાળવણીમાં દેશના ૩૩ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ દરખાસ્તો ગુજરાતમાંથી મળી છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કહ્યા મુજબ પાંચ વર્ષમાં દેશભરમાંથી કુલ ૧૦,૦૨૬ દરખાસ્તો મળી હતી. જેમાંથી ૧૨૦નો અસ્વિકાર થયો છે. પરંતુ, તે પૈકીની ૧૫ ટકા અર્થાત ૧.૫૬૦ દરખાસ્તો માત્ર ગુજરાતની છે. જેમાંથી આઠ દરખાસ્તનો જ અસ્વિકાર કરાયો છે. ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોટ-ISFR ૨૦૨૩- ૨૫ અને ગુજરાતના વન વિભાગના રિપોર્ટ મુજબ કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા- RFA ૨૧,૮૭૦ ચોરસ કિલોમીટર થાય છે.
જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા થાય છે
જેમાં આરક્ષિત જંગલ ૧૪,૫૭૪ ચો.કિમી (૬૬.૯ ટકા) છે. જ્યારે રક્ષિત જંગલ ૨,૮૯૮ ચો.કિમી (૧૩.૨૦ ટકા) અને અવર્ગીકૃત જગંલ ૪,૩૯૮ (૧૦.૧૦ ટકા) થવા જાય છે. ગુરૂવારે રાજયસભામાં અપાયેલા એક જવાબમાં કહેવાયુ છે કે, અહીં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬,૮૫૦.૧૧ હેક્ટર વન ભૂમિ અન્ય પ્રકારની કામગીરી પાર ઉતરવા ફાળવી દેવાઈ છે. જંગલની જમીનો એરપોર્ટ, સંરક્ષણ, સિંચાઈ, ઉદ્યોગ, ખનન જેવા વ્યપારીક કામો માટે ફાળવવામા આવે છે. ગુજરાતમાં છેલ્લા એક દાયદામાં બુલેટ ટ્રેન, હાઈવેનું વિસ્તરણ, તેલ અને ગેસની પાઈપલાઈન અને રિન્યુએબલ એનર્જી અર્થાત સોલાર- વિન્ડ પાર્ક માટે મોટાપાયે આરક્ષિત- રક્ષિત જંગલની જમીની ફાળવણી થઈ છે. ઉલ્લેખનિય છે. જંગલની જમીન જેમને ફાળવાય છે તેવા એકમ કે ઉદ્યોગગૃહે સામે એટલી જમીન અને આર્થિક રકમ જંગલ માટે આપવાની હોય છે.