android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી, રમતગમત વિભાગ માટે રૂ.2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ

calendar_todayMarch 11, 2026

Gandhinagar News : રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી, રમતગમત વિભાગ માટે રૂ.2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ

મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને 'સ્પોર્ટ્સ હબ' બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની 'ડબલ એન્જિન' સરકારે આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦૦૬ કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ અનેકગણી છે.

18 હજારની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે

મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. ૧,૩૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈશ્વિક ફલક પર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ૩૩૫ એકરમાં ફેલાયેલું 'SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ' આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં ૧૨,૦૦૦ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, ૨૪,૦૦૦ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને ૧૮,૦૦૦ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે.

સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે

રાજ્યના અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં ૧૪૩ એકર વિસ્તારમાં ૫૦,૦૦૦ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે ૧૩૫ એકરમાં ૧૭,૫૦૦ ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક 'ઓલિમ્પિક ગેમ્સ વિલેજ' બનાવવામાં આવશે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ ભવિષ્યની મોટી રમતગમતની સ્પર્ધાઓ બાદ આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 'હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર' તરીકે વિકસાવવામાં આવશે. આ સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે.

ખેલ મહાકુંભમાં રમતવીરોની સંખ્યા 72 લાખ સુધી પહોંચી

રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. ૧૬૫ કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હોકીની રમતને વધુ વેગ આપવા માટે રૂ.૯૦ કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મંત્રીએ ગર્વભેર જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૦માં પ્રારંભ થયેલા 'ખેલ મહાકુંભ'માં રમતવીરોની સંખ્યા ૧૬.૫૦ લાખથી વધીને આજે વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨ લાખ સુધી પહોંચી છે.

જે રમતગમત ક્ષેત્રે ગુજરાતની બદલાયેલી વિચારધારાનું પ્રતીક છે

ઈન સ્કુલ યોજના હેઠળ રાજ્યની ૨૩૦ શાળાઓમાં ૧.૨૯ લાખથી વધુ બાળકોને તાલીમ મળી રહી છે. જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) પાછળ વાર્ષિક રૂ. ૯૫ કરોડનો ખર્ચ કરી ૫૩૦૦થી વધુ બાળકોને તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૭૦ અને રાજ્ય કક્ષાએ ૧૯૩૮ મેડલ જીત્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાતી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આજે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ ની ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરોએ ૩૨ ગોલ્ડ, ૩૧ સિલ્વર અને ૫૪ બ્રોન્ઝ સાથે કુલ ૧૧૭ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

'માધવપુર ઘેડના મેળા' જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ આપવામાં આવી રહ્યો છે

મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના યુવાનોની બૌદ્ધિક અને શારીરિક શક્તિ ખીલવવા માટે સરકારે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે રૂ. ૧૮૭ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં આદિવાસી વિસ્તારોમાં ૧૨ નવી લાઈબ્રેરીઓ અને ૧૬ સોલાર પાવર આધારિત લાઈબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. સાહિત્યકારો માટે 'સાહિત્ય ગૌરવ પુરસ્કાર'ની રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨ લાખ અને 'યુવા ગૌરવ પુરસ્કાર'ની રકમ રૂ. ૫૧ હજારથી વધારીને રૂ. ૧ લાખ કરાઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ માટે રૂ. ૨૨૬ કરોડના ખર્ચે કચ્છના વડીમેડી અને પ્રભાસ પાટણના સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોનું રિસ્ટોરેશન કરવામાં આવશે. કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાની એકતાનું ભવ્ય સંગ્રહાલય અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન આધારિત મ્યુઝિયમ આકાર લઈ રહ્યા છે. આ ઉપરાંત, 'કલા મહાકુંભ' અને 'માધવપુર ઘેડના મેળા' જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતના યુવાનોના પરસેવાની કમાણીને મેડલમાં બદલવા માટેનો સરકારનો મક્કમ નિર્ધાર

ગુજરાત સરકાર યુવાનોને માત્ર મેડલ અને રોજગારી જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ સાથે વિશ્વ ફલક પર 'ચેમ્પિયન્સ' તરીકે સ્થાપિત કરવા કટિબદ્ધ છે. આજે રજૂ કરવામાં આવેલા માત્ર આંકડાઓ નથી પરંતુ તે ગુજરાતના યુવાનોના પરસેવાની કમાણીને મેડલમાં બદલવા માટેનો સરકારનો મક્કમ નિર્ધાર છે. આજનું ગુજરાત હવે રમતગમતના મેદાનમાં પણ વિશ્વસ્તરે ડંકો વગાડવા સજ્જ છે તેમ મંત્રીએ વધુમાં કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રૂ. ૨,૦૦૬ કરોડની અંદાજપત્રિય માગણીઓ પસાર કરવામાં આવી હતી.


આ પણ વાંચો : Gondal News : ગોંડલમાં પોલીસનું સઘન ચેકિંગ, દારૂબંધી અને જાહેરનામાં ભંગના 3 કેસ કરાતા આરોપીઓમાં ફફડાટ વ્યાપ્યો