android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી

calendar_todayOctober 25, 2026

Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેલી સવારે 3.22 વાગ્યે 2.8 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર,આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું અને તેની ઊંડાઈ જમીનથી 6 કિલોમીટરની હતી.વહેલી સવારે અચાનક અનુભવાયેલા આ આંચકાને કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ફરી હળવા આંચકાનો સિલસિલો શરૂ થયો

તાલાલા પાસેની ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોય તેમ ફરી હળવા આંચકાનો સિલસિલો શરૂ થયો છે.શુક્રવારની રાત્રે હળવા ભૂકંપના બે અને શનિવારની બપોરે 10 મિનીટમાં 3 અને આજે વહેલી સવારે એક ભૂકંપનો આંચકો આવ્યો તે સહિત ભૂકંપના પાંચ આંચકાથી તાલાલા સહિત આસપાસનો ગ્રામ્ય વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. શનિવારે બપોરે આવેલા 2.9ની તીવ્રતાના આંચકાની અસર સૌથી વધુ વર્તાઈ હતી. તેના કારણે ઘરના બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા.ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા વિગત પ્રમાણે, તાલાલા પંથકમાં શુક્રવારે રાત્રે 9.57 કલાકે 2.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.બીજો આંચકો 10.18 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા 1.8 હતી.બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલા ગીરથી 9 થી 12 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ દિશામાં નોંધાયું હતું.

ચાર દિવસ દરમિયાન ભૂકંપના અડધો ડઝન આંચકા

બંને આંચકા ભુગર્ભમાંથી માત્ર છ થી 8.9 કિ.મી જમીનની ઊંડાઈએથી આવ્યા હતા ત્યારબાદ શનિવારે બપોરે દશ મીનીટનાં સમયગાળામાં ત્રણ આંચકા આવતા ધરતી ધણધણી ઊઠી હતી. પ્રથમ આંચકો બપોરે 1.59 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 2.4 હતી.બીજો આંચકો 2.2 કલાકે આવ્યો હતો જેની તીવ્રતા 2.9 હતી.ત્રીજો આંચકો 2.10 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા 1.7ની હતી.તમામ ધરતીકંપના આંચકાનું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 11 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ દિશામાં નોંધાયું હતું.આંચકાની અસર ચિત્રોડ,સાંગોદ્રા,ભોજદે,હિરપુર, ચિત્રાવડ,હિરણવેલ સહિતના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા અનેક ગામોમાં થઈ હતી.તાલાલામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ભૂકંપના અડધો ડઝન આંચકા નોંધાયા છે.

ફોલ્ટ લાઈન એટલે શું? 

સક્રિય ફોલ્ટ લાઇન એ પૃથ્વીની સપાટી પર આવેલી એવી તિરાડ કે સાંધો છે.જ્યાં પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોની હલનચલનને કારણે ભૂતકાળમાં ભૂકંપ આવ્યા હોય અને ભવિષ્યમાં પણ ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતા હોય.ભૂસ્તરશાસ્ત્ર મુજબ જો કોઈ ફોલ્ટ લાઇન પર છેલ્લા 10 હજાર વર્ષોમાં ઓછામાં ઓછી એક વાર હિલચાલ નોંધાઈ હોય તો તેને સક્રિય ગણવામાં આવે છે.ગુજરાતના સંદર્ભમાંખાસ કરીને કચ્છ વિસ્તાર ભૂકંપના ઝોન-5 (સૌથી વધુ જોખમી ઝોન)માં આવે છે કારણ કે ત્યાં આવી અનેક સક્રિય ફોલ્ટ લાઇનો આવેલી છે.તાજેતરમાં જ કચ્છના ખાવડા નજીક એક નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે નાના-મોટા આંચકાઓ સતત અનુભવાતા રહે છે. ગુજરાતમાં સક્રિય ફોલ્ટ લાઈનની વાત કરીએ તો, કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ, કાત્રોલ હિલ ફોલ્ટ,વાગડ ફોલ્ટ અને તાપ્તી ફોલ્ટ લાઇનનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ Mahesana : પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો