android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: નર્મદા નિગમના 6231 કરોડ રૂપિયાના લેણાં બાકી, જાણો કયા હેતુના કેટલા રૂપિયા

calendar_todayMay 3, 2026

Gandhinagar News: નર્મદા નિગમના 6231 કરોડ રૂપિયાના લેણાં બાકી, જાણો કયા હેતુના કેટલા રૂપિયા

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું પાણી રાજ્યના ખૂણેખૂણે પહોંચાડવામાં આવે છે, પરંતુ આ પાણીના વપરાશ સામે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) ને મળવાપાત્ર જંગી રકમ હજુ પણ બાકી છે. લેટેસ્ટ આંકડા મુજબ, વિવિધ એકમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ નિગમને કુલ રૂ. 6231.20 કરોડ ચૂકવવાના બાકી છે.

પાલિકા-પંચાયતોની આર્થિક સ્થિતિ જવાબદાર?

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો સહિત રાજ્યના 190 નાના શહેરો અને 10,000 થી વધુ ગામડાઓમાં નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવે છે. જોકે, નગરપાલિકાઓ અને પંચાયતોની આવક મર્યાદિત હોવાને કારણે તેઓ સમયસર નિગમના બિલોની ચુકવણી કરી શકતા નથી. પરિણામે, ઘરવપરાશના પાણીના પેટે સૌથી વધુ રકમ બાકી બોલે છે.

બાકી લેણાંની વિગતવાર વિગતો

નર્મદા નિગમના લેણાંના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, સૌથી વધુ બાકી રકમ ઘરવપરાશ એટલે કે પીવાના પાણીના પેટે બોલે છે, જે અંદાજે 4627.56 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ખેડૂતોને ખેતી માટે આપવામાં આવતા સિંચાઈના પાણીના પેટે પણ 1008.06 કરોડ રૂપિયા હજુ વસૂલવાના બાકી છે. આ ઉપરાંત, રાજ્યના વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા વાપરવામાં આવેલા પાણીના પેટે 597.78 કરોડ રૂપિયાની રકમ નિગમને ચૂકવવાની બાકી છે. આમ, ઘરવપરાશ, સિંચાઈ અને ઉદ્યોગ એમ ત્રણેય ક્ષેત્રોના મળીને કુલ 6231.20 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ હજુ સુધી જમા થઈ નથી.

ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર પડી શકે છે અસર

નોંધનીય છે કે, માત્ર પીવાના પાણી માટે જ 4600 કરોડથી વધુ રકમ બાકી છે. આ ઉપરાંત ઉદ્યોગો અને ખેતી માટે અપાતા પાણીના બિલોની વસૂલાત પણ નિગમ માટે પડકારરૂપ બની રહી છે. જો આગામી સમયમાં આ વસૂલાત ઝડપી નહીં બને તો નિગમના જાળવણી ખર્ચ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર તેની અસર પડી શકે છે.


આ પણ વાંચો - Ahmedabad News: ‘સારથી’ દ્વારા ગુંજ્યા ભગવાન કૃષ્ણના જીવન પાઠ, આનંદ નિકેતન ભાડજના વિદ્યાર્થીઓએ આધુનિક યુગમાં શ્રીકૃષ્ણની પ્રાસંગિકતા રજૂ કરી