android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: ગુજરાત ACBના શર્મજનક આંકડા, 5 વર્ષમાં 250 કેસો કોર્ટમાં સાબિત ન થઈ શક્યા, ટ્રેપ નિષ્ફળ જવાનો આંકડો પણ ચિંતાજનક

calendar_todayMarch 26, 2026

Gandhinagar News: ગુજરાત ACBના શર્મજનક આંકડા, 5 વર્ષમાં 250 કેસો કોર્ટમાં સાબિત ન થઈ શક્યા, ટ્રેપ નિષ્ફળ જવાનો આંકડો પણ ચિંતાજનક

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાજેતરમાં રજૂ થયેલા તકેદારી આયોગના અહેવાલે એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભ્રષ્ટાચાર નિવારવા માટે સક્રિય એસીબી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા કુલ 539 કેસો પૈકી 250 કેસો કોર્ટમાં સાબિત જ થઈ શક્યા નથી. જેની સામે માત્ર 148 કેસોમાં જ એસીબી ગુના સાબિત કરવામાં સફળ રહી છે.

ટ્રેપ નિષ્ફળ જવાનો વધતો ગ્રાફ

અહેવાલના આંકડા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારીઓને પકડવા માટે કુલ 854 સફળ ટ્રેપ કરવામાં આવી હતી, જેની સામે 566 ટ્રેપ નિષ્ફળ રહી છે. વર્ષવાર આંકડા જોઈએ તો, 2020માં 107 નિષ્ફળ ટ્રેપ સામે 2024માં આ આંકડો વધીને 147 સુધી પહોંચી ગયો છે, જે સૂચવે છે કે, તપાસમાં ક્યાંક ખામી રહી રહી છે.

વર્ષ 2024માં સૌથી વધુ કાર્યવાહી

વર્ષ 2024માં એસીબીએ કુલ 349 આરોપીઓ સામે કેસ દાખલ કર્યા હતા. જેમાં વર્ગ-1ના 17, વર્ગ-2ના 39, વર્ગ-3ના 136 અને વર્ગ-4ના 6 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 151 ખાનગી વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 231 ગુનાઓ પૈકી 186 ટ્રેપ, 23 ડીકોય, 12 અપ્રમાણસર મિલકત અને 10 અન્ય કેસો નોંધાયા છે.

કોર્ટમાં કેસોની સ્થિતિ

ચાર્જશીટ અને પરિણામો પર નજર કરીએ તો, વર્ષ 2024માં 272 ચાર્જશીટ દાખલ થઈ હતી, જેમાંથી 49 કેસ સાબિત થયા છે, જ્યારે 92 કેસમાં આરોપીઓ છૂટી ગયા અથવા ગુના સાબિત ન થઈ શક્યા. છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ આંકડો જોતા સ્પષ્ટ થાય છે કે, ગુજરાત એસીબી જેટલી ઝડપથી ટ્રેપ કરે છે, તેટલી જ મજબૂતીથી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં ક્યાંક ઉણી ઉતરી રહી છે.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતમાં 69 લાખથી વધુ વાહનો પાસે PUC નથી, કેગના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો