calendar_todayOctober 29, 2026
Gandhinagar News:'ઝીરો પેન્ડન્સી' દરેક ફાઇલ માટે એકસમાન સમયમર્યાદા અવ્યવહારુ, સચિવાલય ફેડરેશને CMને પત્ર લખ્યો
ગાંધીનગર સચિવાલયમાં ઈ સરકારની આડમાં સામાન્ય વહીવટ વિભાગ GAD દ્વારા પડતર ફાઇલ ટપાલના નિકાલ માટે માત્ર 7 જ દિવસમાં ફેંસલો કરવાના દબાણથી વિવાદ થયો છે.ગત સપ્તાહે GADમાં બે નાયબ સેક્શન ઓફિસર-Dy.SOએ કેટલીક ફાઇલોને સેલ્ફ ફોરવર્ડિંગ, ફોરવર્ડ- રિટર્નની કિમિયો અજમાવ્યાનું કારણ આપીને સચિવાલયની બહાર છેક રાજકોટ,વડોદરા સ્થિત સીપામાં મોકલી દેવાયા હતા.આ જ શૃંખલામાં પંચાયત વિભાગના એક સેક્શન ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે.જેની સામે સચિવાલય ફેડરેશને વિરોધ નોંધાવતા મુખ્યમંત્રીને એક પત્ર લખી ઝીરો પેન્ડન્સી દરેક ફાઇલ માટે એકસમાન સમયમર્યાદા એ અવ્યવહારુ હોવાની સાથે માનસિક દબાણરૂપ હોવાની રજૂઆત કરી છે.
કામગીરીમાં ફરીથી સમીક્ષા કરવાની માંગણી
આવા અતિશય દબાણથી ગુણવત્તામાં ઘટાડો થાય છે જેની અસર સૌથી પહેલા સરકારના નિર્ણય ઉપર અને બાદમાં કોર્ટમાં વિવાદ સુધી પહોંચતી હોવાની રાવ નાંખી છે.ફેડરેશન તો સચિવાલયની કાર્યપદ્ધતિ ફિલ્ડ એટલેકે ક્ષેત્રીય કચેરીઓ કરતા તદ્દન ભિન્ન હોવાથી 'ઝીરો પેન્ડન્સી'ને નામે સાત દિવસમાં જ ફાઇલ નિકાલની કામગીરીમાં ફરીથી સમીક્ષા કરવાની માંગણી કરી છે. એટલું જ નહિ, અધિકારી- કર્મચારીઓ સામેના શિક્ષાત્મક હુકમો પાછા ખેંચવા રજૂઆત પણ કરી છે.
સચિવાલય કેડરમાં માનસિક દબાણ સર્જતો વિવાદ શું છે?
કમિટી ઓફ સેક્રેટરીઝ- CoSમાં મુખ્યસચિવ દ્વારા સમીક્ષા થાય છે.જેમાં 7 દિવસથી વધુ સમય સુધી પડતર ટપાલ,ફાઇલ મુદ્દે સચિવો પાસેથી જવાબ અને કારણો મંગાય છે.જેમાં કેટલાક સચિવો દ્વારા દબાણપૂર્વક તાપસ થતા એક જ ફાઇલને અધિકારી- કર્મચારીઓ સેલ્ફ ફોરવર્ડિંગ,અંદરોઅંદર પણ ફોરવર્ડ- રિટર્ન કરી રહ્યાનું બહાર આવ્યું હતું.આથી, ફાઇલ મુવમેન્ટ ઉપર મોનિટરિંગ રાખવા અને આવું કરનારા ફાઇલ પરની ચેન ઓફ સબમિશનના સંબંધિત અધિકારી- કર્મચારી સામે કાર્યવાહી કરવા આદેશો થયા હતા.જેમાં GADના બે Dy.SOની સચિવાલય બહાર બદલી થઈ છે અને SOને સસ્પેન્ડ કરી દેવાયા છે.
સેક્રેટરીઓના વર્કલોડ સામે ફેડરેશનના તર્કબદ્ધ કારણો, મુખ્યમંત્રી ઉકેલ આપે
ઝીરો પેન્ડન્સી
7 દિવસમાં નિકાલ એ દરેક ફાઇલમાં શક્ય નથી. કારણ દરેક ફાઇલ એકસમાન હોતી નથી! ફાઇલ નીતિવિષયક, કાયદાકીય પ્રશ્નો, નાણાકીય ભૂલો, તપાસલક્ષી, સંવેદનશીલ કે અગાઉના સરકારી નિર્ણય સાથે સંકળાયેલા કેસમાં સમયમાં વધઘટ થઈ શકે છે.
ગુણવત્તા ઘટે
ફિલ્ડમાં નાગરિકોનું કામ લેવાય છે,જ્યાંથી ફાઇલ આગળ મોકલાય છે.અહીં તો હકીકત,રેકોર્ડ,નિયમ,અગાઉનો નિર્ણય,ઉપલબ્ધ વિકલ્પ,યોગ્ય અભિપ્રાય, નિર્ણય માટે રજૂઆત આ વિચાર પ્રક્રિયા સામેલ હોવાથી 7 દિવસમાં ફાઇલ ડિસ્પોઝ કરવી જોખમી છે.
ગણતરી ખોટી
ઈ સરકાર રજાના દિવસો,કેલેન્ડરના દિવસો સાથે 7 દિવસમાં કામ માંગે છે.આ ગણતરી જ ખોટી છે.બદલી થઈને આવેલા નવા અધિકારી કે કર્મચારી ઉપર જૂની પેન્ડન્સીનો હિસાબ ઉધારવામાં આવે તે ખોટું છે.આ દિવસો બાદ મળવા જોઈએ.
વર્ક એસેસમેન્ટ:
કાર્યબોજ વધ્યો છે પરંતુ માનવબળનું મૂલ્યાંકન થતું નથી.દરેક શાખા સમાન નથી.વર્ક એસેસમેન્ટ થવું જરૂરી છે.રોજના 15.6 કેસ નિકાલ કરવા એ ભારરૂપ હોવાથી આંકડો એ કામગીરીનું પ્રમાણપત્ર બની શકે નથી.કામગીરીની સમીક્ષા થવી જરૂરી.
આ પણ વાંચોઃ Ahmedabad News: દિવાળીમાં હવાઈ ભાડાં આસમાને પહોંચ્યા, મુસાફરો વિદેશ પ્રવાસના સ્થાને હિલ સ્ટેશનો તરફ વળ્યા