android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: પોલીસ હાઉસિંગમા મરામતનાં કામો માટે DGPએ જાહેર કરી નવી SOP

calendar_todayOctober 24, 2026

Gandhinagar News: પોલીસ હાઉસિંગમા મરામતનાં કામો માટે DGPએ જાહેર કરી નવી SOP

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ વિભાગના રહેણાંક તથા બિન-રહેણાંક મકાનોના ચાલુ મરામત અને ખાસ મરામતના કાર્યો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરતો આદેશ જારી કરવામાં આવ્યો છે.ગત નાણાકીય વર્ષ 2025-2026માં ચાલુ મરામત ગ્રાન્ટ અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરતાં ધ્યાને આવ્યું હતું કે કુલ 4789 કાર્યો પાછળ થયેલા આશરે 19 કરોડના ખર્ચ પૈકી 4119 જેટલા કાર્યો માત્ર ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યા હતા.આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં મોટો સમય વ્યતિત થતો હતો તેમજ વહીવટી મુશ્કેલીઓ અને ગેરરીતિના આક્ષેપો પણ થતા હતા.

ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે

હવે જે નવી પદ્ધતિ અમલી કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ મરામતના કાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવી.તેમજ બિનજરૂરી સમયનો વ્યય અને ટેન્ડરિંગ/ક્વોટેશનની વહીવટી પ્રક્રિયા અટકાવી નાના-મોટા રીપેરીંગના કામો ઝડપથી પૂરા કરવાનો છે.તે ઉપરાંત ખાસ આ નવી પધ્ધતિ અમલી થતા ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે. નવી SOP મુજબ હવેથી કામોના ત્રણ ક્વોટેશન મંગાવવાની પદ્ધતિ બંધ કરીને ચીજવસ્તુઓના ત્રણ ક્વોટેશન મેળવી જરૂરી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરી ખાતે સ્ટોકમાં રાખવાનો રહેશે.પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્લોથિંગ આર્ટિકલ્સની જેમ સિવિલ અને વિદ્યુત કામ માટે ખરીદાયેલા તમામ માલસામાનનું નિયત નમૂના મુજબ સ્ટોક રજીસ્ટર અને ઇશ્યુ રજીસ્ટર નિભાવવું પડશે. સાથોસાથ દર માસની પંચમી તારીખ સુધીમાં વર્ગ-1 કે 2 ના અધિકારી દ્વારા માલસામાનની ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે. 

સામાન ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદાશે

કચેરીના વડાએ દર ત્રણ મહિને એટલે કે જાન્યુઆરી,એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.આ નવી SOP થી અનેક ફાયદાઓ થશે જેમ કે,મરામત માટે જરૂરી એવા સ્પેરપાર્ટ્સ, ઈલેક્ટ્રિક, પ્લમ્બિંગ સામગ્રી જેવો જરૂરી માલસામાન અગાઉથી કચેરી ખાતે સ્ટોકમાં હોવાથી નળ ટપકવો, લાઇટ-પંખા બંધ થવા, વાયરિંગ ફેલ થવું કે પાઇપલાઇન લીકેજ જેવા પ્રશ્નો તાત્કાલિક ઉકેલી શકાશે. તે ઉપરાંત ક્વોટેશનની આડમાં થતી ગેરરીતિ અટકશે,કારણ કે સામાન ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદાશે અને તેનો ચોક્કસ રેકોર્ડ રહેશે.સારી કંપનીનો ગુણવત્તાયુક્ત સામાન વપરાશે, જેથી વારંવાર રીપેરીંગની જરૂર નહીં પડે.સાથોસાથ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત સ્ટોક ચકાસણી અને સહીઓ ફરજિયાત કરી દેવામાં આવતા કચેરીમાં પારદર્શિતા જળવાશે.

અર્ધ-કુશળ શ્રમિકો બોલાવીને કામ કરાવવાનું રહેશે

શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતન મુજબ અર્ધ-કુશળ શ્રમિકો બોલાવીને કામ કરાવવાનું રહેશે.જો કોઈ મોટું કાર્ય માત્ર માલસામાન ખરીદવાથી ન થઈ શકે અને ત્રણ ક્વોટેશન લેવાની જરૂર પડે,તો કમિશનરેટ, જિલ્લા કે એકમો ખાતે કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.50 હજારથી વધુના કામોને ખાસ મરામત ગણી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.ના કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી દરખાસ્ત મોકલવાની રહેશે. રહેણાંક અને કચેરીઓની મરામત અંગે મળતી ફરિયાદો નોંધવા અને તેનું નિરાકરણ ક્યારે થયું તેની વિગતો રાખવા માટે અલગ રજીસ્ટર નિભાવવાનું રહેશે.આ કચેરી હુકમથી રાજ્યભરની પોલીસ લાઇન અને પોલીસ મથકોના જાળવણી કાર્યોમાં ગતિ, ચોકસાઈ અને નાગરિકોના ટેક્સના નાણાંની સંપૂર્ણ પારદર્શિતા આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: રાજ્યના વીજ ગ્રાહકોના માથે હવે વધારાનો FPPAS ચાર્જ, સામાન્ય ગ્રાહકોનું બિલ વધશે