calendar_todayMarch 30, 2026
Gandhinagar News: PM મોદી વાવ થરાદ ખાતે 19 હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન મોદી આવતીકાલે 31 માર્ચ 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે.તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ 19806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક
કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે.વડાપ્રધાન મોદી ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે.આ પ્રોજેક્ટ્સ દ્વારા હજારો મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું રાષ્ટ્રીય ગ્રીડ સાથે અસરકારક જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે હરિત ઊર્જાનો વ્યાપ વધશે અને ઊર્જા સુરક્ષા મજબૂત બનશે.આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ 1, પેકેજ 2, પેકેજ 3 અને પેકેજ 4નું લોકાર્પણ કરવામાં આવશે.
891 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે
ભારત સરકારના રેલવે મંત્રાલયના 891 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન,ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવશે.કુલ મળીને આ ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ 10921 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
8886 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ 8886 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹5295.5 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ,અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
34 જિલ્લાઓમાં 38949 આવાસોમાં ગૃહપ્રવેશ
શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં, વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે, જેનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સરકારી કચેરીનું ધાબુ 2 હજારમાં જુગાર રમવા ભાડે આપ્યું, પોલીસે રેડ પાડી 7 જુગારીયા ઝડપ્યા