android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં ધમધમાટ! હર્ષ સંઘવીએ બોલાવી હાઈ-લેવલ બેઠક

calendar_todayOctober 26, 2026

Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં ધમધમાટ! હર્ષ સંઘવીએ બોલાવી હાઈ-લેવલ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાપક પાયે પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમોનું સુચારુ સંચાલન, કાયદો-વ્યવસ્થા અને જનસુવિધાની સમીક્ષા કરવા માટે પાટનગર ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્ર તેમજ પોલીસ પ્રશાસન સાથે વિડીયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા સીધો સંવાદ સાધીને કાર્યક્રમોની રૂપરેખાની આખરી સમીક્ષા કરવામાં આવી હતી.

કેબિનેટ મંત્રીઓ અને રાજ્યના DGP રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો-વ્યવસ્થા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની ખાતરી માટે રાજ્યના પોલીસ વડા (DGP), ગૃહ વિભાગના ઉચ્ચ સચિવો તેમજ અન્ય વિભાગોના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. સંબંધિત જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ સમીક્ષા કરી સ્થળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન, વીવીઆઈપી પ્રોટોકોલ અને નાગરિકોની અવરજવર માટેના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા અને નર્મદા (એકતાનગર) ના પ્રવાસે રહેશે PM મોદી

30 ઓક્ટોબરના વડાપ્રધાન ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જનસભાને સંબોધિત કરે તેવી સંભાવના છે.31 ઓક્ટોબર - નર્મદા (રાષ્ટ્રીય એકતા દિવસ) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા-એકતાનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં પીએમ મોદી સહભાગી બનશે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરશે અને દેશભરના સુરક્ષા દળો તેમજ કેડેટ્સની ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.સમગ્ર કાર્યક્રમો દરમિયાન કોઈ ચૂક ન રહે તે માટે સંબંધિત તમામ વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા નાયબ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સની ચેતવણીએ ભારતની ઊંઘ ઉડાવી, ગ્લેશિયર પીગળવાથી સર્જાશે જળ પ્રલય!