calendar_todayOctober 27, 2026
Gandhinagar : R&Bના કેટલાક અધિકારીઓ દ્વારા માનીતી એજન્સીઓને ટેન્ડરોની લ્હાણી કરાતી હોવાની રાવ
માર્ગ મકાન વિભાગના વિવિધ વિભાગો હેઠળ કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર્સ દ્વારા હવે અધિકારીઓ સામે મોરચો માંડયો છે. ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં કરોડોના ટેન્ડરો નિયમોમાં છેડછાડ કરીને પોતાની માનીતી એજન્સીઓને જ પધરાવી દેવાતા હોવાનો દાવો કરાયો છે. એટલું જ નહીં 30 કરોડથી વધુના ચુકવણાં બાકી હોવાથી નાના ઈજારાદારો અને ખાસ કરીને શ્રમિકોની દિવાળી બગડે તેવી સ્થિતિ છે. નાના ઈજારાદારોના કરોડો અટવાઈ ગયા હોવાથી તેઓ હવે શ્રમિકોને પણ પૈસા ચુકવી શકે તેમ નથી. ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ખાસ કરીને પાટનગર યોજના વિભાગ-2 સામે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવે છે. જેમાં માનતી એજન્સીને ટેન્ડર મળે તે માટે નિયમોમાં છેડછાડ, કરોડના બાકી ચુકવણા તથા રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાનો આક્ષેપ કોન્ટ્રાક્ટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. એસોસિએશનના દાવા મુજબ કેટલાક અધિકારીઓ બે-ત્રણ નક્કી કરેલી એજન્સીને જ વારંવાર કામ આપે છે. જેમાં તેઓ અન્ય લાયક કોન્ટ્રાક્ટર્સ સાથે અન્યાય કરીને પૂરતી તક આપતા નથી. જેમાં કેટલાક કામો તો ટેન્ડર પ્રક્રિયા વગર જ પધરાવી દેવાતા હોવાનો આક્ષેપ ઈજારાદારો દ્વારા કરાયો છે. તાજેતરમાં અંદાજે 200 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમાં પણ માનીતી એજન્સીઓને જ પ્રાધાન્ય અપાયું હોવાનો દાવો કરાયો છે. ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ સરકારી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર્સ ઉપર નિયમો લાગુ કરાયા છે, પરંતુ વિભાગ હેઠળના તમામ કામોમાં તેનું પાલન થાય છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. એટલું જ નહીં કામોની ફાળવણીમાં પારદર્શિતા જાળવવા, ટેન્ડર પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવા તથા તમામ લાયક કોન્ટ્રાક્ટર્સને સમાન તક આપવી જરૂરી છે. જેનાથી કામોની ગુણવત્તા સુધરવા સાથે છેવટે તો સરકારને ફાયદો થાય તેમ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો