calendar_todayOctober 8, 2026
Gandhinagar: પેન્ડિંગ ચલણોની કડક વસૂલાત માટે RTO સજ્જ : કોલ સેન્ટર ધમધમશે
ગાંધીનગર સહિત રાજ્યભરની આરટીઓ દ્વારા નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને કરોડનો દંડ ફટકારવામાં આવે છે. જોકે અપાયેલા મેમોની વસૂલાત માટે ચોક્કસ મિકેનિઝમ ન હોવાને પગલે પેન્ડિંગ ચલણો વધતા જાય છે. જેના નિવારણ માટે ગાંધીનગર સહિત રાજ્યભરની આરટીઓનેકડક વસૂલાત માટે આયોજન કરવા વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આદેશ અપાયો છે. જેમાં બાકી ચલણોની ઉઘરાણી માટે કોલ સેન્ટર જેવી વ્યવસ્થા ઉભી કરવા, વાહન ચાલકોના ઘરે રૂબરૂ મુલાકાત લેવા સાથે પેન્ડિંગ ચલણોની નિયમીત સમીક્ષા કરી વસૂલાત માટે અસરકારક પગલાં લેવા સૂચના અપાઈ છે.
આરટીઓની ટીમ દ્વારા નિયમિત રીતે ચેકિંગ કરીને વાહન ચાલકોને દંડનો મેમો ફટકારે છે. જોકે વાહન ચાલકો આરટીઓના ચલણ ઝલદી ભરતા નથી.વાહન ટ્રાન્સફર કે અન્ય કોઈ કામગીરી આવી પડે ત્યારે ચલણ ભરવાની વૃતિ પણ જોવા મળે છે. જેને પગલે આવી સ્થિતિમાં આરટીઓના પેન્ડિંગ ચલણોની સંખ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં ગાંધીનગર સહિતના રાજ્યભરની આરટીઓને કડક વસૂલાતના આયોજન માટે આદેશ અપાયો છે. જેમાં બાકી ચલણ મુદ્દે વાહન માલિકોને મોબાઈલ ઉપર સંપર્ક કરીને દંડ ભરી જવા માટે જાણ કરવામાં આવશે.જેમાં જે-તે કચેરીમાં જ કોલ સેન્ટર જેવી સુવિધા ઉભી કરી અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવા કહેવાયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો