android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી

calendar_todaySeptember 10, 2026

Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી

ગુજરાતના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓ માટે મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ વિધાનસભામાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે આ વિધેયક રજૂ કર્યું હતું.

જમીનનો સાચો દસ્તાવેજ હશે તો એ જ દિવસે કામ પૂરું?

નવા સુધારાની સૌથી મહત્વની જોગવાઈ ‘Same Day Certification’ છે. જો ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તેની નોંધ એ જ દિવસે પાડીને પ્રમાણિત કરવામાં આવશે. આથી જમીનના વેચાણ બાદ નોંધ પ્રમાણિત કરાવવા માટે સરકારી કચેરીઓમાં દિવસો સુધી રાહ જોવાની જરૂર નહીં રહે.

બોગસ વાંધા અને બિનજરૂરી અરજીઓ પર લાગશે બ્રેક?

સરકારના જણાવ્યા મુજબ, અગાઉ જમીન વેચાણની નોંધ પ્રમાણિત કરાવવામાં વિલંબ થતો હતો. કેટલાક લેભાગુ તત્વો સરકારી પ્રક્રિયાની જટિલતાનો લાભ લઈને બિનજરૂરી અરજીઓ અને બોગસ વાંધાઓ ઊભા કરતા હોવાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. હવે આ કાયદાકીય સુધારા દ્વારા આવી પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોર્ટ કે સક્ષમ સત્તાધિકારીનો હુકમ હશે તો નોટિસની રાહ નહીં

અન્ય એક મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલના હુકમના આધારે ફેરફાર નોંધ કરવાની હોય તો હુકમ પ્રાપ્ત થતાં જ નોંધ પાડીને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી નોંધ માટે અલગથી નોટિસ આપવાની જરૂર નહીં રહે.

વચેટિયાઓનો રસ્તો બંધ કરવાનો સરકારનો દાવો

સરકારે e-Dhara જેવા ડિજિટલ માધ્યમો દ્વારા જમીન વહીવટમાં પારદર્શિતા લાવ્યા બાદ હવે કાયદાકીય સુધારા મારફતે વચેટિયાઓ અને નાગરિકોને બિનજરૂરી હેરાન કરનારા તત્વો સામે પ્રક્રિયા સરળ કરવાનો દાવો કર્યો છે.

તાત્કાલિક અસરથી અમલમાં

આ સુધારો અગાઉ વટહુકમ દ્વારા તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો હતો અને હવે વિધાનસભામાં વિધેયક પસાર થતાં તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ખેડૂતો અને Genuine Buyer માટે ‘Ease of Living’નો દાવો

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સુધારાનો મુખ્ય હેતુ સાચા વ્યવહાર કરનારા ખેડૂતો, સામાન્ય નાગરિકો અને Genuine Buyerના હિતોનું રક્ષણ કરવાનો છે. આ સુધારાથી જમીન સંબંધિત વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે, પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે તેવો સરકારનો દાવો છે. 


આ પણ વાંચો :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું