calendar_todayMarch 24, 2026
Gandhinagar : UCC પસાર થતા જગદીશ પંચાલનો કોંગ્રેસ પર પ્રહાર, તુષ્ટિકરણની રાજનીતિનો અંત આવ્યો
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક UCC બિલ પસાર થવાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલે રાજ્યની 'માતૃશક્તિ' માટે ગૌરવ સમાન ગણાવ્યું છે. તેમણે આ પગલાને 'એક રાષ્ટ્ર, એક કાયદા'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મક્કમ ડગલું ગણાવતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
જે વિસંગતતાઓ હતી, તે UCCના અમલથી દૂર થશે.
જગદીશ પંચાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગ્ન, વારસાઈ, દત્તક વિધાન અને છૂટાછેડા જેવી બાબતોમાં અત્યાર સુધી જે વિસંગતતાઓ હતી, તે UCCના અમલથી દૂર થશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ નિર્ણય એકાએક લેવાયેલો નથી, પરંતુ ભાજપે ૨૦૨૨ના ચૂંટણી સંકલ્પ પત્રમાં જે વચન આપ્યું હતું, તે આજે પૂરું કર્યું છે. બંધારણીય કલમ ૪૪નું પાલન કરીને પ્રગતિશીલ ગુજરાતનો પાયો વધુ મજબૂત કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના 'વોક આઉટ' અને તુષ્ટિકરણ પર વળતો પ્રહાર
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ અને વોક આઉટ પર પ્રહાર કરતા પંચાલે કહ્યું કે, "કોંગ્રેસ હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરતી આવી છે. કલમ ૩૭૦ હટાવવા અને રામ મંદિર નિર્માણ વખતે જે લોકો લોહીની નદીઓ વહેવાની વાતો કરતા હતા, તેમની બોલતી આજે બંધ થઈ ગઈ છે." તેમણે ઉમેર્યું કે ચોખ્ખી નીતિ ધરાવતી સરકારના કાર્યોને કોઈ રોકી શકતું નથી.
જનતા તેમને આગામી ૫૦ વર્ષ સુધી સત્તામાં નહીં આવવા દે
જગદીશ પંચાલે અંતમાં ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે, કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિને કારણે જનતા તેમને આગામી ૫૦ વર્ષ સુધી સત્તામાં નહીં આવવા દે. ભાજપ હંમેશા 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે કામ કરે છે અને UCC બિલ પસાર કરીને સાબિત કર્યું છે કે ભાજપ ન્યાયમાં માનનારી પાર્ટી છે.
આ પણ વાંચો--- Gandhinagar : ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતિથી પસાર