android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
GIFT City: ગુજરાતના યુવાનો માટે ગોલ્ડન ચાન્સ: ફિનટેકમાં નવીન વિચારો રજૂ કરવાની તક, 12 નવેમ્બર છેલ્લી તારીખ

calendar_todayOctober 27, 2026

GIFT City: ગુજરાતના યુવાનો માટે ગોલ્ડન ચાન્સ: ફિનટેકમાં નવીન વિચારો રજૂ કરવાની તક, 12 નવેમ્બર છેલ્લી તારીખ

ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીન વિચારો ધરાવતા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સારા સમાચાર છે. ગિફ્ટ સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT ગાંધીનગર)ના સહયોગથી ‘ગિફ્ટ ફ્યુચરલેબ ગ્રાન્ડ ચેલેન્જ 2026-27’નું આયોજન કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનો હેતુ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે તેવા ટેકનોલોજી અને સંશોધન આધારિત વિચારોને ઓળખવાનો છે.

કોણ લઈ શકશે ભાગ?

આ સ્પર્ધામાં ભારતભરની ટેકનિકલ, મેનેજમેન્ટ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સંશોધકો ભાગ લઈ શકશે. ઉમેદવારો વ્યક્તિગત રીતે અથવા ટીમ બનાવીને અરજી કરી શકશે. સ્પર્ધામાં કોઈ ચોક્કસ ટેકનોલોજી સુધી મર્યાદિત રહેવાને બદલે નવીન, ટેકનિકલી સક્ષમ અને વાસ્તવિક ઉપયોગમાં મૂકી શકાય તેવા વિચારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

કયા ક્ષેત્રોના વિચારો રજૂ કરી શકાશે?

સ્પર્ધામાં ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા અનેક આધુનિક ટેકનોલોજી ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઇન્ટેલિજન્ટ અને ઓટોનોમસ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ, ડિજિટલ એસેટ્સ અને પ્રોગ્રામેબલ ફાઇનાન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી માટે તૈયાર ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યોરિટી, ફ્રોડ અને રિસ્ક મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ટેકનોલોજી તથા નેક્સ્ટ જનરેશન ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ સિટી સાથે સંબંધિત અન્ય ઉભરતી ટેકનોલોજીઓ પર આધારિત વિચારો પણ રજૂ કરી શકાશે.

12 નવેમ્બર સુધીમાં કરવી પડશે અરજી

સ્પર્ધામાં ભાગ લેવા માટે 12 નવેમ્બર, 2026 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. પ્રારંભિક અરજી અને મૂલ્યાંકનની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરાશે. રજૂ કરાયેલા વિચારોનું મૂલ્યાંકન તેમની નવીનતા, ટેકનિકલ ગુણવત્તા, નાણાકીય ક્ષેત્ર સાથેની સુસંગતતા, વ્યવહારિક શક્યતા, સંભવિત અસર અને વ્યાપારીકરણની સંભાવનાના આધારે કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાંથી આશરે 10થી 12 ટીમોની પસંદગી કરવામાં આવશે. આ ટીમોને IIT ગાંધીનગર ખાતે યોજાનારી ઓફલાઇન ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવશે. ફિનાલે 20 ડિસેમ્બર, 2026 સુધીમાં યોજવાનો પ્રસ્તાવ છે. તેમાં પસંદગી પામેલી ટીમો શિક્ષણ, ટેકનોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઉદ્યોગ અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમના નિષ્ણાતોની જ્યુરી સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

વિચારોને વાસ્તવિક અમલીકરણની તક

આ પહેલ માત્ર સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી. ગિફ્ટ સિટી પસંદગી પામેલી ટીમોને બેન્કો, નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને અન્ય સંબંધિત ભાગીદારો સાથે જોડવાની તકો ઊભી કરવાનો પણ પ્રયાસ કરશે. વિચારોની ઉપયોગિતા અને ભાગીદારોના રસના આધારે તેમના પરીક્ષણ, પ્રાયોગિક અમલીકરણ, સંશોધન સહયોગ અથવા વ્યાપારીકરણની શક્યતાઓ વિકસી શકે છે. આ ઉપરાંત, ટોચની 3 ટીમોને જાન્યુઆરી 2027માં ગિફ્ટ સિટી અથવા વાઇબ્રન્ટ ગુજરાતના યોગ્ય મંચ પર પોતાના નવીન વિચારો રજૂ કરવાની તક પણ મળી શકે છે.

આ સ્પર્ધા વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમના ટેકનોલોજી આધારિત વિચારોને નાણાકીય ક્ષેત્રની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવા અને ઉદ્યોગના નિષ્ણાતો સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડી શકે છે.

આ પણ વાંચો: Gujaratની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખોની સત્તાવાર જાહેરાત; 5થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ!