android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો

calendar_todayJanuary 20, 2026

Gir Somnath : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો.

ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી

આધુનિક પેઢીમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે. ત્યારે ભારતીય આધ્યાત્મ અને જ્ઞાને આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો.

આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો

રાજ્યપાલે જણાવ્યું કે, આપણે જે ઈતિહાસ ભણીએ છીએ એ બહારના લોકોએ લખેલો છે. આપણા ઋષિમુનિઓએ ભારતના પ્રાચીન મૂલ્યો અને સંસ્કૃતિનું જે રીતે વર્ણન કરેલું છે તેને જીવનમાં ઉતારવાની આજે નિતાંત આવશ્યકતા છે. આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે માતાપિતા પોતાના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે તે માટે ગર્વ લે છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના લોકો ભારતમાં જ્ઞાનપ્રાપ્ત કરવા માટે આવતા હતા. જે ભારતની તે સમયની શ્રેષ્ઠતાને દર્શાવે છે.

આ જ કારણ છે કે, તે સમયમાં ભારતને વિશ્વગુરુ કહેવામાં આવતું હતું. ભારત પુરાતનકાળમાં 22 પ્રકારની વિદ્યાઓમાં પારંગત હતું. મહર્ષિ ચરક, સુશ્રુત સહિતના ઋષિમુનીઓએ અનેક પ્રકારના સંશોધન કરીને જે જ્ઞાન અર્જિત કર્યું હતું તેને આજે આધુનિક વિજ્ઞાન સ્પર્શી પણ શક્યું નથી. ભારતનું આ જ્ઞાન વેદ-ઉપનિષદની વિદ્યાથી પ્રાપ્ત થયું છે. ઋષિમુનીઓએ પર્વતો અને કંદરાઓમાં બેસીને જ્ઞાનના દોહનથી મેળવેલી વિદ્યા એ ઈશ્વરીય જ્ઞાન સમાન છે. આ જ્ઞાન સંસ્કૃત ભાષા દ્વારા નીપજ્યું છે.

ભારતે આધ્યાત્મવાદ તરફનું ચિંતન શીખવ્યું

તેમણે જણાવ્યું કે, આપણા વેદ-ઉપનિષદમાંથી ઉત્તમ જીવનદર્શન પ્રાપ્ત થાય છે. તેવું ક્યાંય નથી. ભોગવાદ એ સાધન છે, સાદ્ય નથી, એ રસ્તો છે, પરંતુ મંજીલ નથી. એ સીડી છે, પરંતુ ઉદ્દેશ્ય પ્રાપ્તિ નથી. તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્યું છે. વિશ્વએ માત્ર ભૌતિકવાદ શીખવ્યો જ્યારે ભારતે આધ્યાત્મવાદ તરફનું ચિંતન શીખવ્યું છે. સંસ્કૃતના જ્ઞાનની વહેંચણીથી પુણ્ય મેળવી શકાય છે. તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારત એ ઈંટ-પત્થરનો દેશ નથી પરંતુ, આધ્યાત્મ, ચિંતન અને એક વિચારનો દેશ છે. જેનું જ્ઞાન વેદથી લઈને શાસ્ત્રની અંદર સમાવિષ્ટ છે.

આ તારૂં છે, આ મારૂં છે, એ ભોગવાદની વિચારસરણી છે. જ્યારે ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના દ્વારા સમગ્ર વિશ્વ મારો પરિવાર છે અને હું વિશ્વનો છું, એવી ભાવના જગતને આપી છે. 'સર્વે ભવન્તુ સુખિન:’ એટલે કે સમગ્ર જગતનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વ નિરોગી રહે અને કોઈ વિશ્વમાં દુઃખિયારૂ ન રહે એવી સર્વકલ્યાણની આપણી ભાવના છે. આવું ચિંતન માત્ર ભારતના પુરાતન જ્ઞાનમાં જ પ્રાપ્ય છે.

આ પણ વાંચો: Bhavnagar: ગંગાજળિયા તળાવ પાસે દબાણો પર ચાલ્યું બુલડોઝર, રીક્ષાચાલકો અને ટીમ વચ્ચે ઉગ્ર માથાકૂટ