android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath : ઉનાના વાંસોજ ગામે એક જ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી, 3 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત

calendar_todayOctober 27, 2026

Gir Somnath : ઉનાના વાંસોજ ગામે એક જ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી, 3 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સ્થિત વાંસોજ ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત અચાનક લથડી જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. રાત્રિભોજન લીધા બાદ પતિ અને પત્નીને ઊલટી તેમજ અશક્તિની તકલીફ ઊભી થઈ હતી. આ સારવાર પ્રક્રિયા દરમિયાન તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી જીનલ અચાનક ઢળી પડી હતી અને તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું.

અસ્વસ્થતા અનુભવતા ગામમાં જ પ્રાથમિક સારવાર લીધી

વાંસોજ ગામે બનેલી આ કરુણ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, પરિવારે રાત્રે ભોજન લીધા બાદ મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે અસ્વસ્થતા અનુભવતા ગામમાં જ પ્રાથમિક સારવાર લીધી હતી. જોકે સવારના સમયે માતા અને પિતા બંનેને અચાનક ચક્કર આવવાની સમસ્યા થતાં પરિવારે તાત્કાલિક ઘરે જ સ્થાનિક ડૉક્ટરને બોલાવ્યા હતા.

જીનલ અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડી

ઘરમાં જ્યારે બીમાર માતા અને પિતાની સારવાર ચાલી રહી હતી, તે જ સમયે તેમની ત્રણ વર્ષની પુત્રી જીનલ અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. બાળકીની સ્થિતિ અત્યંત નાજુક જણાતાં તેને તાબડતોબ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ આ માસૂમ બાળકીને મૃત જાહેર કરી હતી.

માતા અને પિતાને વધુ સારવાર માટે ઉના ખસેડાયા

બીજી તરફ ગંભીર અસર પામેલા બાળકીના માતા અને પિતાને વધુ સારવાર માટે ઉના શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ બંને સારવાર હેઠળ છે. 

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

આ સમગ્ર બનાવની જાણ થતાં જ નવાબંદર મરીન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાળકીના અકાળે થયેલા મોત પાછળ ખોરાકી ઝેરી અસર છે કે પછી અન્ય કોઈ ભેદી કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સ્પષ્ટ થશે

માસૂમ જીનલના મૃતદેહનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ કરુણ ઘટનાથી વાંસોજ પંથકમાં ચકચાર પ્રસરી છે. 


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી