android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnathમાં સિંહણનો 8 વર્ષની બાળકી પર હુમલો: પુત્રીને બચાવવા માતા સિંહણ સામે લડી

calendar_todayMarch 10, 2026

Gir Somnathમાં સિંહણનો 8 વર્ષની બાળકી પર હુમલો: પુત્રીને બચાવવા માતા સિંહણ સામે લડી

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલા શાણા વાંકિયા ગામમાં સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના બની છે. આંબાના બગીચામાં ખેત મજૂરી કરી રહેલા પરિવારની 8 વર્ષની બાળકી પર સિંહણે ઓચિંતો હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, માતાની સમયસૂચકતા અને બહાદુરીને કારણે આજે એક માસૂમનો જીવ બચી ગયો છે.

બગીચામાં કેરી વીણતી વખતે સિંહણે કર્યો હુમલો

બગીચામાં જ્યારે માતા અને પુત્રી કેરી વીણી રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ધસી આવી હતી અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સિંહણ માતાની નજર સામે જ 8 વર્ષની બાળકીને મોઢામાં દબાવીને ઉઠાવી ગઈ હતી. પુત્રીને સિંહણના મોઢામાં જોઈ માતા ડરવાને બદલે સિંહણની પાછળ દોડી હતી. તેણે જીવની પરવા કર્યા વગર સિંહણ પર પથ્થરોનો મારો ચલાવ્યો હતો. માતાના આ સતત પ્રતિકાર અને પથ્થરમારાને કારણે સિંહણ આખરે બાળકીને ગંભીર હાલતમાં પડતી મૂકીને જંગલ તરફ ભાગી ગઈ હતી.

બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડી

સિંહણના હુમલામાં બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી અને તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, હાલત વધુ નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સિંહણના લોકેશન મેળવી તેને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે. સમગ્ર ગીર પંથકમાં આ બહાદુર માતાની ચર્ચા થઈ રહી છે, જેણે પથ્થરના ઘા મારીને વનરાજને પણ પીછેહઠ કરવા મજબૂર કરી દીધી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો