android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath News : સંદેશ ન્યૂઝના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, સોમનાથ ટ્રસ્ટ દોડતું થયું, ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ

calendar_todaySeptember 3, 2026

Gir Somnath News : સંદેશ ન્યૂઝના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, સોમનાથ ટ્રસ્ટ દોડતું થયું, ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ

ગિરી સોમનાથ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પ્રભાસતીર્થ સ્થિત ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલા યાત્રિકોની ગોપનીયતા અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. પવિત્ર સંગમમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડાં બદલવા સુરક્ષિત ચેન્જિંગ રૂમ ન હોવાના કારણે ભારે મુશ્કેલી સર્જાતી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને 'સંદેશ ન્યૂઝ' દ્વારા જનહિતમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસારિત થતાં જ સોમનાથ ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ સફાળા જાગી ગયા હતા અને ત્વરિત પગલાં ભરવાની ફરજ પડી હતી.

આડશ શોધવાની મજબૂરી અને યાત્રિકોનો ભારે રોષ

ત્રિવેણી સંગમ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવે છે. જોકે, યોગ્ય સુવિધાના અભાવે મહિલા યાત્રિકોને સ્નાન કર્યા બાદ કપડાં બદલવા માટે આડશ શોધવી પડતી હતી અથવા ખુલ્લામાં કપડાં બદલવા મજબૂર બનવું પડતું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવી પ્રાથમિક અને અત્યંત મહત્વપૂર્ણ સુવિધા ઊભી ન કરવામાં આવતા સ્થાનિકો અને દૂર-દૂરથી આવતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સંદેશ ન્યૂઝે આ દર્દનાક સ્થિતિને ઉજાગર કરી યાત્રિકોનો અવાજ બુલંદ કર્યો હતો.


સોમનાથ ટ્રસ્ટે યુદ્ધના ધોરણે 10 ચેન્જિંગ રૂમ મૂક્યા

અહેવાલની ધારદાર અસરને પગલે સોમનાથ ટ્રસ્ટનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. ટ્રસ્ટના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ત્રિવેણી સંગમ ઘાટ પર એકસાથે 10 નવા ચેન્જિંગ રૂમ મૂકી દીધા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ઝડપી કામગીરીથી હવે મહિલા યાત્રિકોને સુરક્ષિત અને ગોપનીય વાતાવરણ મળી રહેશે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સુવિધા ઉપલબ્ધ થતાં મહિલા શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!