android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા

calendar_todaySeptember 12, 2026

Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં લાંચરૂશવત વિરોધી શાખા એટલે કે ACBએ મોટી કાર્યવાહી કરીને સરકારી બાબુઓની પોલ ખોલી નાખી છે. ગલિયાવાડ ગામના ઇન્ચાર્જ તલાટી મંત્રી, તેમના દલાલ અને મદદનીશને રૂ. 8,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સરપ્રાઈઝ ટ્રેપના કારણે તાલાલા તાલુકાના મહેસૂલી અને સરકારી કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બાંધકામ પરવાનગી અને વેરા પહોંચ માટે મંગાઈ હતી લાંચ

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ પોતાના બાંધકામની પરવાનગી મેળવવા, નમૂના નંબર 2 મેળવવા તેમજ વેરા પહોંચ કઢાવવા માટે અરજી કરી હતી. આ કામગીરી કરી આપવાના અવેજ પેટે ગલિયાવાડના ઇન્ચાર્જ તલાટી ધવલ ચાવડાએ ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. 30,000ની મોટા રકમની લાંચની માગણી કરી હતી. જોકે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે રકઝક થતાં આખરે રૂ. 8,000માં કામ પતાવવાનું નક્કી થયું હતું.

તાલાલાના ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ ખાતે ગોઠવાઈ ટ્રેપ

તલાટી ધવલ ચાવડાના કહેવાથી દલાલ દિલીપ હરદાસભાઈએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ લાંચની રકમ સ્વીકારવા માટે તાલાલા ખાતે આવેલા 'ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ' ખાતે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે જૂનાગઢ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

Gir Somnath News: Talati Mantri and 2 Others Caught Red-Handed by ACB in Talala Bribe Case

ACB PI એ.ડી. વાળા અને ટીમની સફળ ટ્રેપ

ફરિયાદના આધારે ACBના PI એ. ડી. વાળા અને તેમની ટીમે ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન તલાટીના મદદનીશ કપિલ રમેશભાઈ રામે રૂ. 8,000ની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપી લીધો હતો. ACBએ આ કેસમાં ઇન્ચાર્જ તલાટી ધવલ ચાવડા, દલાલ દિલીપ હરદાસભાઈ અને મદદનીશ કપિલ રામ એમ ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Gir somnath : ભગવાને વાવેલા 'મોક્ષ પીપળે' જળ અર્પણ કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો મહિમા