calendar_todayJanuary 10, 2026
Gir Somnath: PM મોદીના આગમન પહેલા સોમનાથ છાવણીમાં ફેરવાયું, ગૃહ મંત્રીએ મંદિર પરિસર અને સુરક્ષા બંદોબસ્તનું કર્યું નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત થનારા 'સ્વાભિમાન પર્વ' પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિર પરિસરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી હતી. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઈ કચાશ ન રહે અને શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સુરક્ષા અને સુવિધાની ઝીણવટભરી સમીક્ષા
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર, યાત્રાળુઓની આવન-જાવનના માર્ગો અને વૈકલ્પિક રસ્તાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભીડ નિયંત્રણ અને ઇમરજન્સી સેવાઓની સજ્જતા સુનિશ્ચિત કરવા સૂચના આપી. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોને ટ્રાફિક કે પાર્કિંગ બાબતે કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા જણાવ્યું.સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજી અને તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા પર ભાર મૂક્યો.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ નિરીક્ષણ દરમિયાન ગૃહ મંત્રીની સાથે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ડો. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા પ્લાન અંગે ગૃહ મંત્રીને વિગતવાર માહિતી આપી હતી.
આ પણ વાંચો: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા