calendar_todayJanuary 5, 2026
Gir Somnath: સોમનાથમાં PM મોદીના આગમન પૂર્વે મંત્રીઓના ધામા, 10 અને 11 જાન્યુઆરીએ થશે ભવ્ય કાર્યક્રમો
ગીર સોમનાથની પવિત્ર ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર તંત્ર તેને યાદગાર બનાવવા માટે કામે લાગ્યું છે. આગામી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન PM મોદી સોમનાથની મુલાકાત લેશે, જેમાં અનેક વિકાસલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
PM મોદી બે દિવસ સોમનાથની મુલાકાતે
મુલાકાતને આખરી ઓપ આપવા માટે રાજ્ય સરકારના મંત્રીઓનો કાફલો સોમનાથ પહોંચ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, અને અર્જુન મોઢવાડિયા સહિતના ઉચ્ચ સચિવોએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ સુરક્ષા વ્યવસ્થા, સભા મંડપ અને પ્રોટોકોલ અંગે સ્થાનિક તંત્ર સાથે ઊંડી ચર્ચા કરી સમીક્ષા કરી હતી.
મુખ્ય કાર્યક્રમો અને આકર્ષણ
વડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એક વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. સોમનાથ ખાતે એક ભવ્ય અશ્વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. વડાપ્રધાન સોમનાથમાં રાત્રિ રોકાણ પણ કરવાના છે, જેના માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સુરક્ષા અને વ્યવસ્થા
PMના આગમનને પગલે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હેલિપેડથી લઈને સભા સ્થળ અને સોમનાથ મંદિર સુધીના માર્ગો પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓ અને નાગરિકોની સુવિધા માટે પાર્કિંગ અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: શહેરમાં બે મોત થયા પણ કારણ ટાઇફોઇડ નથી, મનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટની સ્પષ્ટતા