calendar_todayJanuary 23, 2026
Gir Somnath માં SMC ની ગાજ, ઉનાના સનખડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી SMC
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા છે. લાંબા સમયથી અહીં દેશી દારૂનો કાળો કારોબાર ખૂલ્લેઆમ ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે SMCની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટી માત્રામાં દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ ભરેલા કેન, ગોળના ડબ્બા અને બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. SMC એ તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે સ્થાનિક બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ઉનામાં દેશી દારૂનો અડ્ડો ઝડપાયો
આ દરોડાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઉના તાલુકાના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અજાણ છે, તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે ગાંધીનગરથી આવેલી SMCની ટીમે સફળ દરોડો પાડ્યો ત્યારે પોલીસની 'ઘોર નિંદ્રા' ઉડી હતી. સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા છે કે પોલીસની રહેમનજર હેઠળ જ આવા ગેરકાયદેસર અડ્ડાઓ ચાલી રહ્યા છે. હાલમાં SMC ની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : Rajkot ના પરવેઝની પત્ની રેહાના 3 વર્ષથી પાકિસ્તાનમાં અટવાઈ, PM મોદીને અપીલ કરી, જાણો શું કહ્યું...