calendar_todayApril 2, 2026
Gir Somnathના સુત્રાપાડામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર બોગસ ડોક્ટરની SOG પોલીસે કરી અટકાયત
ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુત્રાપાડા વિસ્તારમાં માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાખાનું ચલાવી લોકોની જિંદગી જોખમમાં મૂકનાર એક બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. (SOG) અને સુત્રાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો છે.
માન્ય ડિગ્રી વગર મુન્નાભાઈ ચલાવતા હતા દવાખાનું
ગીર સોમનાથ એસ.ઓ.જી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુત્રાપાડાના એક વિસ્તારમાં એક શખ્સ કોઈ પણ પ્રકારની અધિકૃત મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ક્લિનિક ખોલીને બેઠો છે અને ગરીબ દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા ત્યાં એલોપેથીક પ્રેક્ટિસ થતી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે રૂ.7,860નો મુદ્દામાલ પણ કર્યો જપ્ત
પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી કોઈ પણ માન્ય ડિગ્રી મળી આવી નહોતી. પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ ₹7,860નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકોના જીવ સાથે રમત રમનાર આ શખ્સ વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સ કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને તેણે અન્ય કોઈ જગ્યાએ આવા અડ્ડાઓ ચલાવ્યા છે કે કેમ. આ કાર્યવાહીથી પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો