android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhara : ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં નવલી નવરાત્રિનો ઉત્સાહભેર પ્રારંભ

calendar_todayOctober 11, 2026

Godhara : ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં નવલી નવરાત્રિનો ઉત્સાહભેર પ્રારંભ

રવિવારથી પવિત્ર આસો નવરાત્રિનો પ્રારંભ થતાં જ વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ખાસ કરીને ગોધરા શહેરના અતિ પૌરાણિક અને પ્રચલિત શ્રી મહાકાળી માતાજીના મંદિર સહિતના મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગોધરાના મહાકાળી માતાજીના મંદિરે આજે ઘટ સ્થાપના, ધજા પૂજા સહિત માતાજીનો ફુલોનો વિશિષ્ટ શણગાર કરાયો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટયા હતા.નવરાત્રીના નવ દિવસ દરમિયાન પંચમહાલ જિલ્લાના વિવિધ મંદિરોમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગોધરા શહેરમાં શેરી ગરબાની પરંપરાને જાળવી રાખતાં ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શહેરમાં 10 થી વધુ સ્થળોએ વિશાળ સ્તરે મોટા ગરબા યોજાય છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક જોડાશે. ગરબા આયોજકો દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી છે. લાઈટિંગ, અવાજ પ્રણાલી, સુરક્ષા તેમજ વ્યવસ્થા અંગે ખાસ આયોજન કરાયું છે. બીજી તરફ્ખેલૈયાઓમાં પણ નવરાત્રિ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના નગરો અને ગામડાંઓમાં પણ શેરી ગરબા, આરતી અને ધાર્મિક કાર્યક્રમોની છટા જોવા મળશે. નવરાત્રિના પાવન અવસરે સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ અને ઉત્સવનું વાતાવરણ છવાયું છે. અને સૌ કોઈ માની ભક્તિમાં લીન થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો